સુપર ઓવરમાં ભારતની-A ટીમ એક પણ રન ન બનાવી શકી, ACC મેન્સ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઇનલમાં હાર
ભારત-Aને ACC મેન્સ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025 સેમિફાઇનલમાં બાંગ્લાદેશ-A સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો. શુક્રવારે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચને ભારત-A દ્વારા સુપર ઓવર સુધી લઈ ગઈ, જેનો શ્રેય વિરોધી ટીમની નબળી ફિલ્ડિંગને પણ જાય છે. ટીમ મેનેજમેન્ટની સૌથી મોટી ભૂલ સુપર ઓવરમાં આવી. તેમણે ઓપનર વૈભવ સૂર્યવંશીને બેટિંગ માટે ન મોકલ્યો, જે નિર્ણય મોંઘો સાબિત થયો.
સુપર ઓવરમાં કેપ્ટન જીતેશ શર્મા રેમ્પ શૉટ રમવાનો પ્રયાસ કરતી વખતે ફાસ્ટ બોલર રિપન મોંડોલના પહેલા જ બૉલ પર બોલ્ડ થઇ ગયો. ત્યારબાદ આશુતોષ શર્માએ આગલા બોલ પર મોટો શૉટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ એક્સ્ટ્રા કવર પર કેચ થઈ ગયો. પરિણામે બાંગ્લાદેશ-Aએ જીતવા માટે માત્ર એક રનની જરૂર હતી, જે તેમણે પાંચ બોલ બાકી રહેતા હાંસલ લીધો.
વૈભવ સૂર્યવંશીને સુપર ઓવરમાં ન મોકલવાનો નિર્ણય વધુ આશ્ચર્યજનક હતો કારણ કે તેણે મેચમાં 15 બોલમાં 38 રન બનાવ્યા હતા. વૈભવે ભારતીય ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં 19 રન ફટકાર્યા હતા. કેપ્ટન જીતેશ શર્માએ હવે વૈભવ સૂર્યવંશીને સુપર ઓવરમાં ન મોકલવા અંગે નિવેદન આપ્યું છે. જીતેશે કહ્યું કે, આ ટીમ મેનેજમેન્ટનો નિર્ણય હતો, જેમાં અંતે તેની સહમતી હતી. જીતેશે હારની સંપૂર્ણ જવાબદારી પણ લીધી.
મેચ બાદ જીતેશ શર્માએ કહ્યું કે, ‘ખૂબ જ સારી રમત થઈ, અમારા માટે સારી શીખ રહી. હું બધી જવાબદારી લઉં છું અને એક સીનિયર તરીકે, મારે રમત પૂરી કરવી જોઈએ. અમારા માટે હાર-જીત નહીં, શીખવું જરૂરી છે. કોણ જાણે છે એક દિવસ આ છોકરાઓ ભારત માટે વર્લ્ડ કપ પણ જીતી શકે છે. તેઓ પ્રતિભાની દૃષ્ટિએ આકાશને આંબી ગયા છે; તેમને માત્ર અનુભવની જરૂર છે.’
જીતેશ શર્માએ આગળ કહ્યું કે, ‘મારી વિકેટ ટર્નિંગ પોઇન્ટ હતી. હું જાણું છું કે આ પરિસ્થિતિઓમાં મારી જાતને કેવી રીતે હેન્ડલ કરવાની હોય છે. તેમણે ખરેખર સારી બોલિંગ કરી. જેણે 19મી ઓવર ફેંકી, તેને શ્રેય જાય છે. અમે આખી 20 ઓવર સુધી નિયંત્રણમાં હતા, કોઈને દોષ ન આપવો જોઈએ. તે એક સારી મેચ હતી.
સુપર ઓવર અંગેના નિર્ણય અંગે જીતેશ શર્માએ કહ્યું કે, ‘વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્ય પાવરપ્લેના માસ્ટર છે. પરંતુ ડેથ ઓવરમાં સામાન્ય રીતે હું, આશુતોષ અને રમણદીપ સિંહ બિગ હિટિંગની જવાબદારી સંભાળીએ છીએ. એટલે સુપર ઓવરમાં કોણ બેટિંગ કરશે તે અંગેનો નિર્ણય ટીમનો નિર્ણય હતો અને આખરે મારો પણ. બાંગ્લાદેશનો જે ખબ્બૂ બેટ્સમેન હતો, તે શાનદાર રમ્યો. આટલા દબાણમાં આવા શોટ રમવાનું સરળ નથી. તેનું પણ ઉજ્જવળ ભવિષ્ય છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp