વધુ એક BLO સહાયકનો કામના દબાણ હેઠળ લેવાયો ભોગ, BLOની કામગીરી સામે શિક્ષકોમાં આક્રોશ
ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોડીનારમાં શિક્ષકના આત્મહત્યાની ઘટના હજુ તાજી છે, ત્યારે હવે વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક સહાયક BLO મહિલાનું ફરજ પર જ કરૂણ મોત નીપજતા લોકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ રહી છે.
માહિતી અનુસાર, મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા ITIમાં ફરજ બજાવતા હતા. અને હાલની ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં સહાયક BLO તરીકે કામ કરી રહ્યા હતા. ત્યારે કામગીરી દરમિયાન અચાનક ઉષાબેનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉષાબેનના આકસ્મિક નિધનથી તેમનો પરિવાર આઘાતમાં છે. તેમના પતિ ઇન્દ્રસિંહ સોલંકીએ આ ઘટના માટે તંત્રની બેદરકારી અને કામના ભારણને સીધું જવાબદાર ઠેરવતા ગંભીર આક્ષેપો કર્યા છે.
ગોધરાના એક પ્રાથમિક શિક્ષક વિનુભાઈએ એસઆઈઆરની કામગીરીના અસહ્ય ભારણ અને દબાણથી માનસિક રીતે ભાંગી પડેતા અંતે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો દ્વારા શિક્ષક સાથે સંપર્ક કરી સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં મતદારોના વેરિફિકેશનને લગતી SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ અસહ્ય કામના ભારણ, દબાણ અને નિયત સમયમર્યાદાના તણાવનો સામનો કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp