ભારે વિરોધ બાદ ગુજરાત સરકારના પારોઠના પગલા? નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ થશે?
એક તરફ રાજ્યના યુવાનો બેકારી અંગે બૂમાબૂમ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર શિક્ષિત બેકારોને નોકરી આપવાને બદલે નિવૃત્ત થઇ ચૂકેલા શિક્ષકોને ફરી નોકરીએ ચડાવવાનું નક્કી કરી બેઠી છે. પરંતુ ચારેકોર થયેલા ઉગ્ર વિરોધ બાદ હવે સરકારે પારોઠના પગલા ભરવાનો વારો આવી શકે છે. જાણો શું છે આખો મામલો.
શાળા સંચાલક મંડળે સરકાર સામે નારાજગી દર્શાવી છે. શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે કે, નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે. 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ જ નથી અને સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવે છે. પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.
શિક્ષક સંઘોએ નિવૃત શિક્ષકોની ભરતીનો આક્રમક વિરોધ કર્યો છે. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચતા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. સોશિયલ મીડિયા ઉપર પણ યુવાનોએ સરકારના આ નિર્ણય સામે ભારે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો.
ટેટ-ટાટ પાસ યુવકોને પણ વય મર્યાદાના કારણે નોકરી મળતી નથી ત્યારે નિવૃત થઈ ચૂકેલા શિક્ષકોને જરુર પડે તો ભરતી કરવાના નિર્ણયથી નારાજગી વધી રહી છે. આ મુદ્દાને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધો છે. નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કરી ભરતીના નિયમોમાં જરુર પ્રમાણે છૂટછાટ આપવા મુદ્દે સરકારમાં વિચારણા ચાલતી હોવાની જાણકારી મળી છે. શિક્ષકોની ભરતી મામલે કાચું કપાઈ ગયું છે, એ વાતનો અંદાજ કદાચ સરકારને પણ આવી ગયો છે.
નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર થાય તેવું જાણકારો કહી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp