રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય : બોર્ડની પરીક્ષાઓ પાછળ ઠેલાઈ
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કેસ 50 થી 55 વચ્ચે રહેતા હતા પરંતુ ગઈકાલે અચાનક ઉછાળો આવતા કેસની સંખ્યા 80 પર પહોંચી ગઈ હતી. બીજી તરફ, ઓમિક્રોનના કેસ પણ ધીમે-ધીમે વધી રહ્યા છે. આ સ્થિતિની અસર શિક્ષણ ઉપર પણ પડી હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાઓ પાછળ ઠેલવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ બે અઠવાડિયા લંબાવી દેવામાં આવી છે. જે પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થનાર હતી તે હવે 28 મી માર્ચથી શરૂ થશે. આજે યોજાયેલ કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી કે રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.15/07/2021થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવાનો નિર્ણય સરકારે કર્યો છે.
સરકારના આ નિર્ણયથી 32 લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે તેમ જણાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે 14 દિવસ જેટલો વધુ સમય મળશે તેમજ શાળાઓ અભ્યાસક્રમ પણ પૂર્ણ કરી શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp