શા માટે મહત્વની છે પુતિનની ભારત મુલાકાત? બંને દેશો વચ્ચે થશે આ મહત્વપૂર્ણ ક્ષેત્રે ડીલ! જાણો વિ

શા માટે મહત્વની છે પુતિનની ભારત મુલાકાત? બંને દેશો વચ્ચે થશે આ મહત્વપૂર્ણ ક્ષેત્રે ડીલ! જાણો વિગતે

12/04/2025 National

SidhiKhabar

SidhiKhabar

શા માટે મહત્વની છે પુતિનની ભારત મુલાકાત? બંને દેશો વચ્ચે થશે આ મહત્વપૂર્ણ ક્ષેત્રે ડીલ! જાણો વિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચાર વર્ષ બાદ ફરી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિને છેલ્લે 2021માં ભારતની મુલાકાત લીધી હતી. ભારત-રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂરા થવાના અવસરે પુતિન ભારત આવી રહ્યા છે. તેઓ 23મા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેશે. ભારતના વડાપ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે વાર્ષિક શિખર બેઠક બંને દેશોના સંબંધોની સમીક્ષા માટે યોજાય છે. રાષ્ટ્રપતિ પુતિન ગુરુવારે, 4 ડિસેમ્બર 2025ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. પુતિન દિલ્હીમાં લગભગ 28 કલાક રોકાશે. અને 5 ડિસેમ્બરે રાત્રે 9:30 વાગ્યે પાછા રવાના થશે.


પુતિનની ભારત મુલાકાત

પુતિનની ભારત મુલાકાત

ભારતની જમીન પર પગ મૂકતાની સાથે જ પુતિન સ્પેશિયલ સિક્યુરિટી કવર હેઠળ આવી જશે. પુતિનના આગમન બાદ પીએમ મોદી તેમના માટે પ્રાઈવેટ ડીનરનું આયોજન કરશે. પુતિનનું શુક્રવારે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ તેઓ રાજઘાટની મુલાકાત લેશે. પછી 23મી ભારત-રશિયા શિખર વાર્તા યોજાશે. આ દરમિયાન ઘણાં ક્ષેત્રે મહત્વપૂર્ણ ડીલ થવાની સંભાવના છે. શિખર વાર્તા પછી, પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે. ત્યારબાદ સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના સન્માનમાં રાજકીય ભોજન સમારંભની મેજબાની કરશે.

પુતિનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે છેલ્લા બે દાયકામાં ભારત-અમેરિકાના સંબંધો સૌથી વધુ કથળ્યા છે, કારણ કે રશિયન તેલ ખરીદવા બદલ 25% વધારાના શુલ્ક સહિત ભારતીય નિકાસ પર અમેરિકાએ 50% સુધીની ભારે ડ્યૂટી લગાવી છે. શુક્રવાર બપોરે મોદી અને પુતિન ભારત મંડપમમાં ઇન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમને એકસાથે સંબોધિત કરશે, જ્યાં રોકાણની તકો, મેન્યુફેક્ચરિંગ પાર્ટનરશિપ અને ટેકનોલોજીમાં સહયોગ પર વાત કરવામાં આવશે.


આ મહત્વના ક્ષેત્રે થશે વાતચીત

આ મહત્વના ક્ષેત્રે થશે વાતચીત

રશિયન રાજદ્વારી ઉશાકોવે જણાવ્યું હતું કે, PM મોદી અને પુતિન વધતા વેપાર અને આર્થિક ભાગીદારી પર વિગતવાર વાતચીત કરશે. રશિયા વધતા વેપાર અસંતુલન (ટ્રેડ ઇમ્બેલેન્સ) પર ભારતની ચિંતાઓને દૂર કરવા તૈયાર છે અને તેણે દ્વિપક્ષીય ટ્રાન્ઝેક્શનને બાહ્ય દબાણથી બચાવવા માટે એક પદ્ધતિનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે વેપાર, ઊર્જા, કૃષિ, આરોગ્ય અને મીડિયાને આવરી લેતા ક્ષેત્રીય કરારો પણ થશે. આમાં SU 57, મોડ્યુલર રિએક્ટર, એનર્જી કોર્પોરેશન,  ઓઇલ અને સિક્યુરિટી ડીલ કોર્પોરેશન સાથે જોડાયેલા કરારો થવાની અપેક્ષા છે.

માહિતી મુજબ, વાતચીત દરમિયાન સંરક્ષણ સહયોગ પર ખાસ કરીને વાત થશે. ભારત અને રશિયા બ્રહ્મોસના અદ્યતન વેરિઅન્ટના વિકાસની સમીક્ષા કરી શકે છે, જેમાં બ્રહ્મોસ-NG જેવા હળવા એર-લોન્ચ મોડેલ્સ અને વિસ્તૃત-રેન્જ વેરિઝનનો સમાવેશ થાય છે. હાઇપરસોનિક પ્રોજેક્ટ્સ, લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલો અને ભારતની વધુ S-400 મિસાઇલોની આયોજિત ખરીદી પર પણ વાતચીત થવાની અપેક્ષા છે. બ્રહ્મોસ, એક ફ્લેગશિપ સંયુક્ત સાહસ છે, જેને ઓપરેશન સિંદૂર દરમિયાન ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ મળ્યું હતું અને ભારતે ફિલિપાઇન્સથી શરૂ કરીને આ સિસ્ટમની નિકાસ કરવાનું શરૂ કર્યું છે. બંને દેશના નેતાઓ UN, SCO, G20 અને BRICS માં સહયોગ સહિત મોટા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ પોતાના વિચારો શેર કરશે. રશિયાએ કહ્યું છે કે, તે 2026 માં BRICS અધ્યક્ષપદ સંભાળવાની તૈયારીમાં ભારત સાથે સંકલન કરવા માટે ઉત્સુક છે.


મુલાકાતનું મહત્વ

મુલાકાતનું મહત્વ

મહત્વનું છે કે, પીએમ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પુતિન ભારત આવી રહ્યા છે અને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યા પછી રશિયન નેતાનો આ પહેલો પ્રવાસ છે. પુતિનના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ થવાની અપેક્ષા છે. આ દરમિયાન પુતિન યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રયાસો વિશે પણ પીએમ મોદીને માહિતગાર કરશે. વાતચીત બાદ મોટી જાહેરાતો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, ત્યારબાદ એક સંયુક્ત મીડિયા નિવેદન બહાર પાડવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top