રાજ્યની શાળાઓમાં જાહેર થયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, જાણો ક્યારથી શરૂ થશે
એજ્યુકેશન ડેસ્ક: હાલ એક તરફ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યની શાળાઓ માટે વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામક તરફથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જે અનુસાર શાળાઓમાં 35 દિવસનું વેકેશન અપાશે.
સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો તેમજ સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં તારીખ નવમી મેના રોજથી વેકેશન શરૂ થશે અને 12 જૂન સુધી ચાલશે. તારીખ 13 જૂનથી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાનો રાબેતા મુજબ શરૂ થશે.
આ વર્ષે કોરોનાના કારણે પરીક્ષાઓ પણ પાછળ ઠેલવામાં આવી હતી. દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં શરૂ થતી હતી જે હાલ 28 માર્ચથી શરૂ થઇ છે. આ ઉપરાંત ધોરણ એકથી આઠ અને ધોરણ નવ અને અગિયારની પરીક્ષાઓ પણ થોડી મોડી લેવાશે.
દર વર્ષે શાળાઓમાં પહેલી મે કે તેની આસપાસથી વેકેશન જાહેર કરવામાં આવે છે પરંતુ આ વખતે પરીક્ષાઓ મોડી લેવાવાના કારણે વેકેશન પણ એક અઠવાડિયું મોડું શરૂ થશે. જોકે, વેકેશનના દિવસોમાં કોઈ ફેરફાર થયો નથી. દર વર્ષની જેમ આ શૈક્ષણિક વર્ષમાં પણ 35 દિવસનું વેકેશન મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ગઈકાલ 28 માર્ચથી શરૂ થઇ ગઈ છે. જે 12 એપ્રિલ સુધી ચાલશે. પરિણામો મે મહિનાના અંતમાં કે જૂનના પહેલા-બીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, પરિણામની તારીખો અંગે સરકાર દ્વારા પાછળથી જણાવવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp