સ્વચ્છ શહેર ઇન્દોરમાંપાણીએ મચાવ્યો મોતનો તાંડવ! મળમૂત્ર મિશ્રિત પાણીએ લીધા આટલા લોકોના જીવ! જાણો
દેશના સૌથી સ્વચ્છ ગણાતા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્વચ્છતા માટે જાણીતા ઈન્દોરમાં ગંદકી અને લાપરવાહીને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માહિતી મુજબ, ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં નર્મદા જળ સપ્લાયના નામે નાગરિકોને માનવ મળમૂત્ર મિશ્રિત પાણી પીવડાવવામાં આવતા 14 લોકોના મોત થયા છે. આ ભયાનક લાપરવાહીનો ખુલાસો લેબ તપાસમાં થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે આ વિસ્તારમાં એકાએક દૂષિત પાણી પીવાથી 100થી વધુ લોકો બીમાર પડ્યા બાદ હાહાકાર મચી ગયો હતો. અને મંગળવાર સુધીમાં આઠ લોકોના મોત થયા હતા. આ કારણે અત્યાર સુધીમાં લગભગ 2800 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 201 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી 32 દર્દીઓ ICUમાં દાખલ છે, જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મહત્વનું છે કે, પાણીની ગુણવત્તાનું સત્ય ગુરુવારે એમજીએમ મેડિકલ કોલેજ અને નગર નિગમની લેબમાં થયેલી સેમ્પલ તપાસના રિપોર્ટમાં સામે આવ્યું હતું. પાણીના નમૂનામાં ઈ-કોલાઈ અને શિગેલા જેવા ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા હતા, જે સીધા માનવ મળમાં જોવા મળે છે. આ વાતની પુષ્ટિ ખુદ જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ કરી છે. દરમિયાન, ગુરુવારે વધુ એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક વધીને 14 પર પહોંચી ગયો છે.
આ મામલે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે ગુરુવારે ચાર મૃતકોના પરિજનોને બે-બે લાખ રૂપિયાની સહાય રાશિના ચેક આપ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રહેવાસીઓએ ભારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, શાસન દ્વારા જાહેર કરાયેલો મૃત્યુઆંક વાસ્તવિક સંખ્યા કરતાં ઘણો ઓછો છે. આ બાબતે વિજયવર્ગીયે સ્વીકાર્યું હતું કે, વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે, તેથી ઝાડાને કારણે થયેલા તમામ મૃત્યુની તપાસ કરી સહાય આપવામાં આવશે.
આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ મધ્ય પ્રદેશના મુખ્ય સચિવને નોટિસ જારી કરી છે અને બે સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આયોગે એ પણ નોંધ્યું છે કે, લોકો સતત દૂષિત પાણીની ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. મહત્વનું છે કે, આ મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી બે જનહિત અરજીઓ પર શુક્રવારે સુનાવણી થશે, જેમાં શાસને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp