શું રાજ્યની શાળાઓ ફરી બંધ થશે? શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું
ગાંધીનગર: રાજ્યમાં કેટલીક શાળાઓમાં બાળકો કોરોનાથી સંક્રમિત થતા ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માટેની માગ શરૂ થઇ હતી. જોકે, શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ બંધ થશે નહીં અને શિક્ષણ કાર્ય હાલ જેમ ચાલે છે તેમ ચાલુ જ રહેશે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળાઓ બંધ કરવાની માગને લઈને કહ્યું કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે પરંતુ આપણે વાયરસ સામે હિંમતભેર લડવાનું છે અને કોરોનાના નિયમોનું પાલન કરીને તકેદારી રાખવાની છે. તેથી જ કોરોનાની SOP યથાવત રાખવામાં આવી છે તેમજ બાળકો માટે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ હજુ પણ ખુલ્લો જ રખાયો છે.
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવશે અને શાળાઓને યોગ્ય સૂચના આપવામાં આવશે. ત્યારબાદ રવિવારે પણ શિક્ષણ વિભાગ ચાલુ રહ્યો હતો અને શાળાઓને પરિપત્ર મારફતે સૂચના અપાઈ હતી.
રાજ્યના શિક્ષક વિભાગે પરિપત્ર જારી કરીને તમામ શાળાઓને કહ્યું છે કે તેઓ ખાસ તકેદારી રાખે અને કોઈ પણ વિદ્યાર્થીમાં લક્ષણ જણાય તો તરત આરોગ્ય કેન્દ્રનો સંર્પક કરવામાં આવે. આ ઉપરાંત સૂચના આપવામાં આવી છે કે શાળાના સ્ટાફે રસીના બંને ડોઝ લીધા હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને વિદ્યાર્થીમાં કોઈ પણ પ્રકારનો રોગ દેખાય તો જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવાની રહેશે. વાલીઓને પણ સૂચન કરવા જણાવ્યું છે કે જો બાળકમાં કોઈ પ્રકારના લક્ષણ દેખાય તો શાળાએ મોકલવાનું ટાળવું અને શાળાઓને ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા પણ જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય મંત્રાલયના રાજ્ય મંત્રી નિમિષા સુથારે પણ આ અંગે કહ્યું છે કે હાલ શાળાઓ બંધ કરવાની સરકારની કોઈ યોજના નથી. પરિસ્થિતિ ગંભીર બને તો નિર્ણય લેવાશે. રાજ્ય સરકાર હાલ યોગ્ય પગલાં લઇ રહી છે અને આ મામલે શિક્ષણ મંત્રાલયને પણ સાથે રાખીને કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે. એક અહેવાલ અનુસાર, ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં કોરોનાથી 33 બાળકો સંક્રમિત થયા હતા. જેમાં સૌથી વધુ કેસ સુરતમાં આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં અને નવસારી અને જામનગર જેવા જિલ્લાઓમાં પણ બાળકોમાં સંક્રમણના કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, તેમાંથી એક પણ બાળકની સ્થિતિ ગંભીર નથી અને સ્વસ્થ છે તે એક રાહતની વાત છે.
બીજી તરફ, રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ ધીમા પગલે વધારો થઇ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં એક દિવસમાં છ નવા કેસ નોંધાયા હતા. જેમાં પાટનગર ગાંધીનગરમાં પણ એક 15 વર્ષીય કિશોર ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જેની સાથે રાજ્યમાં ઓમિક્રોનના 11 કેસ થયા છે, જ્યારે દેશમાં કુલ 155 કેસ નોંધાયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp