ઇન્ડિગો પર કઈ આફત આવી પડી કે 400 ફ્લાઇટ્સ કરવી પડી રદ! સામે આવ્યું આ કારણ, જાણો
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચામાં આવી રહી છે. હવે ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરો માટે એક મોટુ સંકટ ઊભું કર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશના દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોના એરપોર્ટ પર ઇન્ડિગોની લગભગ 400 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હજારો મુસાફરો 12-14 કલાક સુધી એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાની સમસ્યા ચાલુ છે. ગુરુવારે પણ દિલ્હીથી ઈન્ડિગોની 30 જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જ્યારે હૈદરાબાદમાં 33 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને બેંગલુરુમાં આ આંકડો 73 પર પહોંચી ગયો હતો. દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોનું કહેવું છે કે, ફ્લાઇટ રદ થવા પાછળનું મુખ્ય કારણ સ્ટાફની અછત છે. આમ બુધવારે (ત્રીજી ડિસેમ્બર) બપોર સુધીમાં જ લગભગ 200 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે ગુરુવારે (ચોથી ડિસેમ્બર) બીજી 170 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
સમસ્યાઓ પાછળ ઈન્ડિગો દ્વારા સત્તાવાર રીતે સ્ટાફની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનને કારણભૂત ગણાવવામાં આવ્યું છે, પરંતુ આ સંકટ પાછળનું મુખ્ય કારણ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન નિયમો છે. આ નિયમો પાઇલટ અને કેબિન ક્રૂ માટે મહત્તમ ફ્લાઇટ કલાકો, ડ્યુટી સમયગાળો અને લઘુત્તમ આરામની આવશ્યકતાઓ નક્કી કરે છે. નવા નિયમો ક્રૂ માટે વધુ માનવીય અને આરામદાયક રોસ્ટરિંગ સુનિશ્ચિત કરે છે, પરંતુ એરલાઇન ઝડપથી વધતી જતી પાઇલટ્સની અછતનો સામનો કરી રહી છે, જેના કારણે ફ્લાઇટ્સના સંચાલનમાં વિક્ષેપ પડ્યો છે.
ત્યારે હવે ઇન્ડિગોના પ્રવક્તાએ આ સમસ્યા અંગે માફી માંગતા એક નિવેદન જાહેર કરતા કહ્યું છે કે, 'છેલ્લા બે દિવસમાં, અમારી ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વિલંબ અને વિક્ષેપો થયા છે, જેના માટે અમે અમારા બધા મુસાફરોની માફી માંગીએ છીએ. નાની ટેકનિકલ સમસ્યાઓ, શિયાળા સંબંધિત શેડ્યૂલમાં ફેરફાર, ખરાબ હવામાન, હવાઈ ટ્રાફિકમાં વધારો અને નવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો સહિત અનેક ઓપરેશનલ પડકારોને કારણે ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વિક્ષેપો થયા છે.' ત્યારે બીજી તરફ મુસાફરોનું કહેવું છે કે, એરપોર્ટ પર કોઈ અધિકારી તેમને સંતોષકારક જવાબ આપી રહ્યા નથી, જેના કારણે લોકોમાં ગુસ્સો અને લાચારીનો માહોલ સર્જાયો છે. ત્યારે એરપોર્ટ અધિકારીઓ પરિસ્થિતિ હજુ પણ પડકારજનક હોવાનું જણાવી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp