TATA IPL 2026ની રિટેન્શન ડેડલાઇન પહેલા, ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કેટલાક મોટા ખેલાડીઓના ટ્રેડ પર સહમતિ બની છે. આ ટ્રેડથી ઘણાં સ્ટાર ખેલાડીઓ નવી ટીમમાં રમતા જોવા મળશે. પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને CSKમાંથી 14 કરોડની મોટી રકમ સાથે રાજસ્થાન રોયલ્સ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તો રાજસ્થાને તેમના કેપ્ટન સંજુ સેમસનને CSKમાં મોકલવાનો નિર્ણય લીધો છે. સંજુ 18 કરોડની મોટી રકમ સાથે CSKમાં જોડાશે. બંને ટીમો વચ્ચે આ સોદો ઘણા સમયથી ચાલી રહ્યો છે.
IPL 2026 પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ માટે ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ હતી. જ્યાં આ ટ્રેડ વિન્ડોમાં જાડેજા, સંજુ સેમસન, સેમ કરન, મોહમ્મદ શમી, મયંક માર્કંડે, અર્જુન તેંડુલકર, નીતિશ રાણા અને ડેનોવન જેવા ખેલાડીઓની ફેરબદલી કરવામાં આવી છે. આ ટ્રેડ એટલે ખેલાડીનું ફરી ઑક્શનમાંથી પસાર થયા વિના એક ટીમમાંથી બીજી ટીમમાં જવું. જે બે રીતે થાય છે. એક તો ખેલાડીઓની અદલાબદલી એટલે કે પ્લેયર સ્વેપ કરીને અથવા તો પૈસાના બદલામાં ખરીદી અને વેચાણ કરી કેશ ડીલ કરીને. ઉદાહરણ તરીકે જો ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈ ખેલાડીને રાજસ્થાન રોયલ્સને આપે છે અને તેના બદલામાં બીજો ખેલાડી અથવા પૈસા લે છે, તો તેને ટ્રે઼ડ કહેવામાં આવે છે.
રવિન્દ્ર જાડેજા – સીનિયર ઓલરાઉન્ડર અને પૂર્વ સીએસકે કેપ્ટન જાડેજા હવે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ વતી રમશે.
સંજુ સેમસન - આરઆર કેપ્ટન અને ભારતના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે. 177 મેચ રમ્યા પછી, સેમસન સીએસકેના ઇતિહાસમાં સૌથી અનુભવી બેટ્સમેનોમાંનો એક હશે.
સેમ કરન - સીએસકેથી આરઆરમાં જોડાયો. તેની ફી 2.4 કરોડ છે. કરન હવે તેની ત્રીજી આઈપીએલ ફ્રેન્ચાઇઝી માટે રમશે.
મોહમ્મદ શમી - સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદથી લખનૌમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. શમી 10 કરોડની ફીમાં એલએસજીમાં જોડાશે. 119 મેચનો અનુભવ અને 2023ના પર્પલ કપ વિજેતા સાથે, શમી LSG માટે એક મોટી સંપત્તિ સાબિત થઈ શકે છે.
મયંક માર્કંડે - લેગ-સ્પિનર મયંક માર્કન્ડે કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા ફર્યા છે, જ્યાંથી તેમણે પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. 37 મેચ અને 37 વિકેટ સાથે, માર્કંડે મુંબઈ ઈન્ડિયન્સ માટે મુખ્ય સ્પિન વિકલ્પ બનશે
અર્જુન તેંડુલકર - યુવા બોલિંગ ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સ થી લખનૌમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તે 30 લાખની તેની વર્તમાન ફીમાં લખનૌમાં જોડાશે.
નીતિશ રાણા - બેટ્સમેન નીતિશ રાણાને રાજસ્થાન રોયલ્સ થી દિલ્હી કેપિટલ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તે 4.2 કરોડની ફીમાં દિલ્હી કેપિટલ્સમાં જોડાશે. રાણાએ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કર્યું હતું અને 100થી વધુ IPL મેચ રમી છે.
ડોનોવન ફેરેરા - દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ફેરેરાને ડીસીથી રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તેની ફી 75 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.