આતંકી ડૉ. શાહીને એક-બે નહીં પરંતુ આ રાજ્યના આટલા ડોક્ટરોનું કર્યું હતું બ્રેઈનવોશ, પૂછપરછ દરમિયાન નવા ઘટસ્ફોટો, જાણો
દેશની રાજધાની દિલ્હીમાં મોટા બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડનાર જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ થઈ ગયો છે. અને આ સાથે જ તપાસ એજન્સીઓને ચોંકાવનારી માહિતીઓ મળી રહી છે. માહિતી મુજબ, મોડ્યુલની મુખ્ય સભ્ય ડૉ. શાહીન પાકિસ્તાનના સંપર્કમાં હતી એટલું જ નહીં, પરંતુ તેણે ઉત્તર પ્રદેશમાં કામ કરતા 30 થી 40 ડોક્ટરોને પણ પોતાના નેટવર્કમાં જોડવાનો પ્રયાસ કર્યો હતો. તેથી હાલ ઉત્તર પ્રદેશમાં હાજર લગભગ 200 કાશ્મીરી મૂળના ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓ હવે સુરક્ષા એજન્સીઓની રડાર પર છે. જો કે, દેશભરમાં આવી શંકાસ્પદ પ્રોફાઈલ્સની સંખ્યા 1,000 થી વધુ હોવાનો દાવો છે.
દિલ્હી પોલીસ, NIA, IB અને UP ATSની સંયુક્ત તપાસમાં ખુલ્યું છે કે, ડૉ. શાહીનના પાકિસ્તાન ઉપરાંત મલેશિયા, તુર્કી, UAE, માલદીવ અને બાંગ્લાદેશ સુધી સંપર્કમાં હતી. શ્રીનગરમાં પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું કે, તે પાકિસ્તાની સેનાના એક ડોક્ટર સાથે સીધા સંપર્કમાં હતી. સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે, દિલ્હીમાં મોટો હુમલો કર્યા બાદ તે વિદેશ ભાગવાની યોજના બનાવી રહી હતી, જેના માટે તેણે વિઝા માટે અરજી પણ કરી હતી. હાલ ડૉ. શાહીનની સાથે સાથે ડૉ. આદિલ, ડૉ. પરવેઝ, ડૉ. આરિફ અને ડૉ. ફારૂક પણ ATS અને NIAની કસ્ટડીમાં છે, જેમની સાથે સતત પૂછપરછ ચાલુ છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર વચ્ચે સતત માહિતીની આપ-લે થઈ રહી છે. વિવિધ સ્થાનો પરથી ઘણાં શંકાસ્પદોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દાવો કરે છે કે, નજીકના સમયમાં આખું નેટવર્ક તોડી પાડવામાં આવશે.
તપાસમાં ચોંકાવનાર એક વધુ ખુલાસો થયો કે, ડૉ. શાહીને પોતાના ભાઈ ડૉ. પરવેઝને કટ્ટરપંથી બનાવીને મોડ્યુલમાં કઈ રીતે જોડ્યા. માહિતી મુજબ, 2021માં પરવેઝે માલદીવની મુસાફરી કરી હતી, જેના બાદ શાહીને ધીમે ધીમે તેને રેડિકલાઇઝ કર્યો. આ મોડ્યુલમાં ડૉ.પરવેઝએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમ કે હથિયારોની ફેરબદલી, UPના ડોક્ટરો સુધી ગોપનિય સંદેશાઓ પહોંચાડવા, ઓનલાઇન ટ્રેકિંગથી બચવા માટે જૂના કીપેડ ફોનનો ઉપયોગ વગેરે. અને આ બધું શાહીનની સૂચનાથી જ કરવામાં આવતું હતું.
માહિતી મુજબ, આ આખું નેટવર્ક છેલ્લા ચાર વર્ષથી એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યું હતું. તેમના મુખ્ય ટાર્ગેટ દિલ્હી અને અનેક મહત્ત્વના ધાર્મિક સ્થળો હતા. જૈશ-એ-મોહમ્મદ ખાસ કરીને શિક્ષિત વ્યાવસાયિકો પર વિશ્વાસ રાખે છે અને તેથી આ મોડ્યુલમાં ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓની ભૂમિકા અત્યંત મહત્વની ગણવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp