ભારતના વિભાજન માટે NCERTએ આ ત્રણ લોકોને ઠેરવ્યા જવાબદાર! કહ્યું- ઇતિહાસના આ ગંભીર મુદ્દાઓ વિશે સમજાવવાનો પ્રયાસ...
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERT દ્વારા ભારત-પાકિસ્તાનના ભાગલા પર એક નવું મોડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. આ ખાસ મોડ્યુલને 14 ઓગસ્ટના રોજ ‘પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે’ પર રજૂ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ મોડ્યુલમાં ભારત-પાકિસ્તાનના ભાગલા માટે ત્રણ વ્યક્તિઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. પહેલા મહંમદ અલી ઝીણા કે જેમણે વિભાજન માંગ્યું, બીજી કોંગ્રેસ કે જેણે વિભાજનને મંજૂરી આપી અને ત્રીજા માઉન્ટબેટન કે જેમણે દેશના ભાગલા અમલમાં મુક્યા.
ભારત સરકાર દ્વારા ૨૦૨૧થી, ૧૪ મી ઓગસ્ટના દિવસને રાષ્ટ્રના ભાગલાને કારણે જીવ ગુમાવનારા અને પોતાના મૂળથી વિસ્થાપિત થયેલા તમામ લોકોને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના બલિદાને યાદ કરવાનું નક્કી કર્યું છે.
NCERT એ રજૂ કરેલ આ મોડ્યુલમાં “વિભાજનના ગુનેગારો” શીર્ષક હેઠળ આ ત્રણ વ્યક્તિઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. આ સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જુલાઈ, 1947ના ભાષણનો પણ સમાવેશ કરાયો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, વિભાજન સ્વીકારવું ખોટું છે, પરંતુ સતત સંઘર્ષ અને ગૃહયુદ્ધ કરતાં તેનું પરિણામ ઓછું ખરાબ હશે. આ ઉપરાંત સરદાર પટેલ અને ગાંધીજીના પણ આ વિભાજન અંગેના મતો અહીં રજૂ કરવામાં આવ્યા છે.
ઉપરાંત તે સમયે માઉન્ટબેટને પોતાને આ નિર્ણયના દોષથી દુર રાખતા પોતાના બચાવમાં જે કહ્યું હતું તેનો પણ સમાવેશ આ મોડ્યુલમાં કરાયો છે. માઉન્ટબેટને કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના ભાગલાની યોજનાને ભારતીય નેતાઓએ પોતે સ્વીકારી હતી. મેં ભારતનું વિભાજન ન હતું કર્યુ. મારી ભૂમિકા તેને શક્ય તેટલી શાંતિપૂર્ણ રીતે અમલમાં મૂકવાની હતી. હું ઉતાવળ માટે દોષ સ્વીકારું છું. પરંતુ ત્યારબાદ થયેલી હિંસા માટે હું દોષ સ્વીકારતો નથી. તે જવાબદારી ખુદ ભારતીયોની હતી.
આ મોડ્યુલ એ નિયમિત પાઠ્યપુસ્તકનો ભાગ નથી, પરંતુ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ, પોસ્ટર, ચર્ચા અને ડેબેટ દ્વારા શીખવવામાં આવશે છે. ભાગલામાં આશરે 6 લાખ લોકોનાં મૃત્યુ અને 1.5 કરોડ લોકોના વિસ્થાપન વિશે જાણકારી આપી છે, જે પાઠ્યપુસ્તકોમાં નથી. ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12 માટે અલગ-અલગ આ મોડ્યુલ બનાવવામાં આવ્યું છે.
જો કે આ મોડ્યુલ અંગે ઇતિહાસકારોનું કહેવું છે કે, શાળાના પાઠમાં દેશના ભાગલાનો સમાવેશ કરવો બરાબર છે, પરંતુ આ માટે ફક્ત ઝીણા, માઉન્ટબેટન અને કોંગ્રેસને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. મોડ્યુલ મુજબ, 1947-1950 દરમિયાન ભાગલાએ દેશની એકતા તોડી, વિસ્થાપન અને હત્યાકાંડ વધાર્યા, પંજાબ અને બંગાળની અર્થવ્યવસ્થા બગાડી, અને જમ્મુ-કાશ્મીરમાં સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક પડકારો ઊભા કર્યા, જે બાદમાં આતંકવાદના કારણ બન્યા. NCERT ના આ નવા મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીઓને ભારતના ઇતિહાસના આ ગંભીર મુદ્દાઓ વિશે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેઓ ભાગલાના પરિણામોની સાચી જાણકારી મેળવી શકે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp