Surat: ખાડી પૂરની પરિસ્થિતી નિવારવા કુમાર કાનાણીએ CM ભુપેન્દ્રભાઈ પટેલને લખ્યો પત્ર
MLA Kumar Kanani: થોડા દિવસ અગાઉ જ્યારે વરસાદે સુરતમાં ધબધબાટી બોલાવી હતી, ત્યારે સુરતના હાલ બેહાલ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા. સુરતમાં પડેલા ભારે વરસાદ અને ખાડીપૂરને કારણે રસ્તાઓ અતિશય બિસ્માર બની ગયા હતા, જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ એમ સૌને ભારે હાલાકી વેઠી પડી રહી છે. આ સાથે જ ખાડી પૂરને કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે.
સુરતમાં વારંવાર આવતી ખાડીપુરની સમસ્યાના કાયમી નિવારણ માટે સમાજ અગ્રણી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખાયેલા પત્રને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખી મથુર સવાણી દ્વારા સૂચવેલા ખાડી ડાયવર્ટ કરવાના પ્લાન પર તાત્કાલિક સર્વે કરી, શક્યતા તપાસી અને જો શક્ય હોય તો યોજનાને અમલમાં મૂકવા ભલામણ કરી છે.
કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, ‘સુરતને ખાડી પૂરની પરિસ્થિતિમાથી મુક્ત કરી શકાય તે માટે સુરતના સમાજ અગ્રણી અને પદ્મશ્રી મથુરભાઇ સવાણી દ્વારા આપશ્રી તથા સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ, પદાધિકારીઓ અને અધિકારીઓને આ બાબતનો પત્ર લખવામાં આવ્યો છે. પત્રની સાથે ખાડી ડાયવર્ટ કરી શકાય તે બાબતનો પ્લાન પણ મૂકવામાં આવેલ છે. તો મથુરાભાઈ દ્વારા લખેલ પત્ર બાબતે મને એવું લાગે છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તેમણે સૂચવેલ યોજના પ્રમાણે સર્વે કરી, શક્યતા તપાસી આ યોજના શક્ય છે કે કેમ? તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઇએ, જેથી સુરતને વખતોવખત આવતા ખાડી પૂરમાંથી બચાવી શકાય તેવું મારું માનવું છે. તો આ બાબતે ઝડપથી યોગ્ય કાર્યવાહી થાય તે માટે મારી આપશ્રીને ભલામણ સહ વિનંતી છે.
તો બીજી તરફ સુરતમાં કોંગ્રેસ પાર્ટીએ ખાડી પૂર બાદ રસ્તાઓ પર ખાડા પડવા અને રસ્તાઓ બિસ્માર થવા બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનાં કાર્યકર્તાઓ અને નેતાઓએ ‘ખાડા મહોત્સવ’નું આયોજન કર્યું હતું. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, સુરતના રસ્તાઓ પર પડેલા ખાડાઓથી જનતા હેરાન-પરેશાન છે. તંત્રના બહેરા કાને આવાજ પહોંચાડવા ઢોલ નગારા સાથે 'ખાડા મહોત્સવ'નું આયોજન કર્યું છે.
પર્વત પાટિયા વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓએ ઢોલ-નગારા સાથે ‘ખાડા-મહોત્સવનું આયોજન કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓએ ખાડા વચ્ચે ગરબા રમીને તેમજ એક-બીજાને મીઠાઇ ખવડાવી ‘ખાડા ઉત્સવની’ ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp