Jagannath Temple: હિડન કેમેરા સાથે પુરીના જગન્નાથ મંદિરમાં ઘૂસ્યો શંકાસ્પદ વ્યક્તિ, શું ઇરાદો હતો આ શખ્સનો?
Jagannath Temple: મંગળવારે પુરીના જગન્નાથ મંદિરમાં એક શંકાસ્પદ વ્યક્તિ હિડન કેમેરા સાથે ઘૂસી ગયો હતો. બાદમાં, પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે, આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને કંઈ મળ્યું નહોતું. પરંતુ આ મામલાની તપાસ હજુ પણ ચાલુ છે. પુરીના પોલીસ અધિક્ષક (SP) પિનાકી મિશ્રાએ જણાવ્યું હતું કે આરોપી હિડન કેમેરાવાળા ચશ્મા પહેર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 12મી સદીના આ મંદિરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી પર પૂરી રીતે પ્રતિબંધિત છે.
SP પિનાકી મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરના બેહરાના દરવાજા પાસે તૈનાત સુરક્ષા કર્મચારીઓને કેમેરાની લાઈટ ઝબકતા શંકા ગઈ હતી અને નજીકથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે કેમેરાવાળા ચશ્મા સાથે પરિસરમાં દાખલ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને તાત્કાલિક પૂછપરછ માટે સિંહદ્વાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. મંદિરની અંદર કોઈ તસવીરો કે વીડિયો લીધા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
ધરપકડ કરાયેલા યુવકની ઓળખ ગજપતિ નગરના અભિષિત કર તરીકે થઈ છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે યુવકનો ઈરાદો શું હતો અને આ ઘટનામાં અન્ય લોકો પણ સામેલ છે કે કેમ. પોલીસે યુવકની પૂછપરછ શરૂ કરી છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણની ટેક્નિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે.
શ્રી જગન્નાથ મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પૂરી રીતે પ્રતિબંધિત છે. આ ઘટનાએ આધુનિક જાસૂસી ઉપકરણોના દુરુપયોગ અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંદિર પ્રશાસન હંમેશા કહે છે કે સુરક્ષામાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં નહીં આવે. આ ઘટના બાદ મંદિરમાં દેખરેખ કડક કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવા કોઈપણ પ્રયાસને અટકાવી શકાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp