Jagdeep Dhankhar Resigns: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી આપી દીધું રાજીનામું, સામે આવ્યું મોટું કારણ; પોતાના કાર્યકાળને કર્યો યાદ
Jagdeep Dhankhar Resigns: સોમવારથી શરૂ થયેલા ચોમાસુ સત્ર વચ્ચે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધનખડે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. રાજીનામામાં ધનખડે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મોકલેલા રાજીનામામાં તેમણે કહ્યું કે, ‘આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને ડૉક્ટરની સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.'
ધનખડે રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં એમ પણ કહ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ રહેવા દરમિયાન ભારતની નોંધપાત્ર આર્થિક પ્રગતિ અને અભૂતપૂર્વ વિકાસ જોવો અને તેમાં ભાગ લેવાની સૌભાગ્ય અને સંતોષની વાત છે. ઉપરાંત, ધનખડે કહ્યું કે રાષ્ટ્રના ઇતિહાસના આ પરિવર્તનશીલ યુગમાં સેવા કરવી એ ખરેખર સન્માનની વાત છે.
ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડને છાતીમાં દુઃખાવા અને અસ્વસ્થતાની ફરિયાદ બાદ 9 માર્ચ 2025ના રોજ દિલ્હીના AIIMSમાં કાર્ડિયાક વિભાગના ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. 12 માર્ચે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા, જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. ધનખડને 30 જુલાઈ 2019ના રોજ પશ્ચિમ બંગાળના 29મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ અગાઉ, તેઓ એક અનુભવી વકીલ અને રાજસ્થાનના સાંસદ તેમજ ધારાસભ્ય પણ હતા.
રાજ્યપાલ રહેતા જગદીપ ધનખડ ઘણી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર સાથે પણ ટકરાયા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના પર કેન્દ્ર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. મમતા અને ધનખડ વચ્ચેનો વિવાદ ખૂબ લાઈમલાઇટમાં રહ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp