PM Modi on Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’ કોણે રોકાવ્યું? રાહુલ ગાંધીના દરેક સવાલનો PM મોદીએ આપ્યો જવાબ
PM Modi on Operation Sindoor: મંગળવારે સંસદના ચોમાસુ સત્રમાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ નેતા રાહુલ ગાંધીના દરેક સવાલનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બંને દેશો વચ્ચેની વાતચીત બાદ થયો હતો અને તેમાં દુનિયાના કોઈ પણ નેતાની ભૂમિકા નહોતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે પાઇલટ્સના હાથ બાંધી દીધા હતા. તેના જવાબમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમને સેનાની ક્ષમતા અને સામર્થ્ય પર પૂરો વિશ્વાસ હતો અને અમે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ અમે સંકલ્પ લીધો હતો કે આતંકના આકાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે. અમે આતંકવાદીઓ અને તેમના આકાઓને કલ્પના ન કરી હોય તેવી સજા આપવાનો અને આતંકવાદીઓને માટીમાં મળાવવાનો સંકલ્પ લીધો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે 29 વખત દાવો કર્યો છે કે તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધવિરામ કરાવ્યો હતો. જો વડાપ્રધાન મોદીમાં ઇન્દિરા ગાંધી જેવી 50 ટકા પણ હિંમત હોય, તો તેમણે કહેવું જોઈએ કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પહેલીવાર લોકસભામાં ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓને પણ ફગાવી દીધા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુનિયાના કોઈ પણ દેશે ભારતને પોતાની સુરક્ષા માટે કાર્યવાહી કરતા અટકાવ્યું નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાન્સે તેમને કહ્યું હતું કે પાકિસ્તાન મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે અને મેં તેમને કહ્યું હતું કે- તેને ભારે કિંમત ચૂકવવી પડશે.
ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક નવો શબ્દ ઉપયોગમાં આવ્યો છે. ન્યૂ નોર્મલ. ભાષણમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે બધા દેશોએ આતંકવાદની નિંદા કરી છે. પરંતુ તેમણે એ જણાવ્યું નહોતું કે પહેલગામ બાદ એક પણ દેશે પાકિસ્તાનની નિંદા કરી નથી. આ અંગે વડાપ્રધાન મોદીએ ગૃહમાં કહ્યું કે, UNના 193 દેશોમાંથી માત્ર 3 દેશોએ પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. ક્વાડ હોય, બ્રિક્સ હોય, કોઈ પણ દેશ હોય, ભારતને દુનિયાભરમાંથી સમર્થન મળ્યું.
લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું વિદેશ નીતિ પર સ્પષ્ટ રીતે બોલી રહ્યો છું, દુનિયાનું સમર્થન તો મળ્યું, પરંતુ કમનસીબે મારા દેશના વીરોની બહાદુરીને કોંગ્રેસનું સમર્થન ન મળ્યું. વિપક્ષના સવાલોના જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષ ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવીને મીડિયામાં લાઈમલાઇટ મેળવી શકે છે, પરંતુ દેશવાસીઓના હૃદયમાં સ્થાન નહીં લઈ શકે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp