Maharashtra Politics: મરાઠી માણુસનું શક્તિ પ્રદર્શન: 20 વર્ષ બાદ એક મંચ પર ગળે મળ્યા ઉદ્ધવ-રાજ, જાણો ભરત મિલનનું મહત્ત્વ
07/05/2025
Politics
Thackeray brothers reunite after 20 years: શનિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક દૃશ્ય જોવા મળ્યું, જ્યારે બે દાયકાથી અલગ માર્ગે ચાલી રહેલા ઠાકરે પરિવારના 2 મોટા ચહેરા, ઉદ્ધવ અને રાજ ઠાકરે મરાઠી અસ્મિતાના મુદ્દા પર એક સાથે મંચ પર આવ્યા. મુંબઈના વરલીમાં NSCI ડોમમાં આયોજિત 'મરાઠી વિજય દિવસ' રેલીમાં બંને નેતાઓએ જે રીતે એકતા દર્શાવી, તેનાથી ન માત્ર ત્રિભાષા નીતિ વિરુદ્ધ જનભાવના વ્યક્ત થઈ, પરંતુ એ પણ સ્પષ્ટ થયું કે ઠાકરે ભાઈઓ હવે ‘મરાઠી માણુસ’ના પ્રશ્ન પર એક અવાજમાં બોલવા માટે તૈયાર છે. રાજ અને ઉદ્ધવ ઠાકરેનું એક મંચ પર એકસાથે આવવું એ માત્ર પ્રતિકાત્મક નથી, પરંતુ મહારાષ્ટ્રની સામાજિક-સાંસ્કૃતિક ચેતના માટે એક મોટા સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
રાજ ઠાકરેએ અહીં સ્પષ્ટપણે કહ્યું કે, 'મેં પહેલાથી જ કહ્યું હતું કે ઝઘડાથી મોટું મહારાષ્ટ્ર છે.’ ઉદ્ધવે પણ સ્ટેજ પરથી કહ્યું કે, 'અમે આજે માત્ર બોલી રહ્યા નથી, આપણે સાથે રહેવા માટે ભેગા થયા છીએ. આપણને વિભાજીત કરનારાઓને હવે બહાર ફેંકી દઇશું.’ આ 'ભારત મિલન' ન માત્ર મરાઠી અસ્મિતાના રક્ષણ માટે થયું, પરંતુ રાજકીય શક્યતાઓની એક નવી બારી પણ ખોલી છે.
હિન્દી થોપવાના વિરોધમાં એકજૂથતા
છેલ્લા કેટલાક અઠવાડિયાથી, મહારાષ્ટ્રમાં ત્રિભાષાની નીતિ અને શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવા અંગે મોટો વિવાદ ચાલી રહ્યો છે. MNS અને શિવસેના (UBT) બંનેએ અગાઉ અલગ-અલગ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, પરંતુ છેલ્લી ક્ષણે બંને નેતાઓએ તેને સંયુક્ત રેલીમાં રૂપાંતરિત કરી અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને મોટો રાજકીય સંદેશ આપ્યો.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું, 'હિન્દી એક સારી ભાષા છે, પરંતુ તે અમારા પર થોપી નહીં શકાય. અમે શાંત છીએ, તેનો અર્થ એ નથી કે ડરીએ છીએ. જ્યારે હિન્દીભાષી રાજ્યો અમારાથી પાછળ છે ત્યારે અમને હિન્દી શીખવાની ફરજ કેમ પાડવી જોઈએ?’
આ રેલીને સાંસ્કૃતિક આંદોલન તરીકે રજૂ કરવામાં આવી હતી. સ્ટેજ પરથી નારા લાગ્યા 'મરાઠી બોલવાનો અમારો અધિકાર છે', 'હિન્દી થોપનારાઓને જવાબ આપીશું’ અને ઠાકરે બંધુઓએ તેને મહારાષ્ટ્રની અસ્મિતા અને અધિકારો માટેની લડાઈ ગણાવી. ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘જો મરાઠી માટે લડવું ગુંડાગીરી છે, તો હા, અમે મરાઠી ગુંડા છીએ.'
બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે આ રેલી કોઈ રાજકીય એજન્ડાનો ભાગ નથી, પરંતુ વિધાનસભા ચૂંટણી અગાઉ આ મંચ શેર કરવાને રાજકારણથી અલગ જોઈ શકાય નહીં. આ મંચ દ્વારા ઉદ્ધવ અને રાજ ઠાકરેએ સંકેત આપ્યો કે જો મરાઠી અસ્મિતા અથવા મહારાષ્ટ્રના અધિકારો પર હુમલો થયો તો જૂના મતભેદો ભૂલીને એક થવું હવે શક્ય છે.
આ ભરત મિલનની શું છે ઇફેક્ટ?
બાળાસાહેબ ઠાકરેના રાજકીય વારસાને લઈને શિવસેના (UBT), શિવસેના (શિંદે જૂથ) અને MNC વચ્ચે ચાલી રહેલી લડાઈ હવે સીધી મુકાબલામાં ફેરવાઈ શકે છે. રાજની ફાયરબ્રાન્ડ છબી અને ઉદ્ધવની સંયમિત નેતૃત્વ શૈલી મળીને 'ઠાકરે બ્રાન્ડ'ને મજબૂત બનાવી શકે છે. રાજની આક્રમક અને યુવા-કેન્દ્રિત શૈલી ઉદ્ધવની શાંત અને સંગઠનાત્મક છબી સાથે મળીને વિશાળ વોટબેંક આકર્ષી શકે છે.
ઠાકરે બંધુઓની એકતાની સીધી અસર આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીઓમાં જોઈ શકાય છે. આ જોડી ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ) માટે એક મોટો પડકાર બની શકે છે. શિવસેના દાયકાઓથી BMCમાં પ્રભુત્વ ધરાવે છે, અને ઠાકરે બંધુઓની એકતા તેના પાછા ફરવાની શક્યતાઓ વધારી શકે છે.
શું MVA મજબૂત થશે કે ગઠબંધન તૂટી જશે?
ઉદ્ધવની શિવસેના (UBT) હાલમાં મહા વિકાસ આઘાડી (MVA)નો ભાગ છે, જેમાં કોંગ્રેસ અને NCP (શરદ પવાર જૂથ)નો સમાવેશ થાય છે. જો રાજ ઠાકરેની MNS આ ગઠબંધનમાં જોડાય છે, તો તે MVAને મજબૂત બનાવી શકે છે. જોકે, કોંગ્રેસ અને શરદ પવારે વિજય રેલીથી અંતર રાખીને સાવધાની દાખવી છે, જે ગઠબંધનની એકતા પર સવાલ ઉભા કરી શકે છે. આ રેલી માત્ર ત્રિભાષા નીતિની વિરુદ્ધ નહોતી, પરંતુ તે રાજકીય અને સાંસ્કૃતિક પુનઃમિલનનું પ્રતિક બની ગઈ.
મરાઠી માણુસનું આ શક્તિ પ્રદર્શન ન માત્ર સરકારને ચેતવણી છે, પરંતુ મહારાષ્ટ્રના મતદારો માટે એક સંદેશ પણ છે કે ઠાકરે બંધુઓ ફરીથી સાથે છે, અને જ્યારે વાત માતૃભાષા, માતૃભૂમિ અને મરાઠી અસ્મિતાની આવે છે, ત્યારે તેઓ રાજકીય સીમાઓ ભૂલીને પણ એક થઈ શકે છે. હવે જોવાનું એ છે કે શું આ ભરત મિલન માત્ર એક મંચ સુધી મર્યાદિત રહે છે કે આગામી ચૂંટણીઓમાં મરાઠી વોટ બેંકના નવા રાજકારણનો આધાર બને છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp