Priyank Kharges Big Statement on RSS: ‘…તો RSS પર પ્રતિબંધ લગાવીશું’, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્રની મોટી જાહેરાત
Priyank Kharges Big Statement on RSS: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયાંક ખડગેએ જાહેરાત કરી છે કે જો કોંગ્રેસ ફરીથી કેન્દ્રમાં સત્તામાં આવશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર દેશભરમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત RSSની ટીકા કરી રહ્યા છે અને સંગઠન પર દેશને વિભાજીત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ પ્રિયાંક ખડગેએ RSS પર દેશવ્યાપી પ્રતિબંધની વાત કરીને એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે.
તેમણે કહ્યું કે દેશમાં કોણ નફરત ફેલાવી રહ્યું છે? કોમી હિંસા માટે કોણ જવાબદાર છે? બંધારણ બદલવાની વાત કોણ કરી રહ્યું છે?પ્રિયાંક ખડગેએ કહ્યું કે RSS તેની રાજકીય પાંખ ભાજપને મહત્ત્વપૂર્ણ સવાલ કેમ નથી પૂછતું, જેમ કે દેશમાં બેરોજગારી કેમ વધી રહી છે, પહેલગામમાં આતંકવાદી હુમલો કેવી રીતે થયો? આ ન પૂછીને સંઘના લોકો સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સત્તામાં આવ્યા બાદ, કાયદાકીય પ્રક્રિયા હેઠળ દેશમાં RSS પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંકે કહ્યું કે, શું ED, IT જેવી બધી તપાસ એજન્સીઓ માત્ર વિપક્ષ માટે છે? સરકાર RSSની તપાસ કેમ નથી કરતી, આખરે તેમની પાસે પૈસા ક્યાંથી આવે છે, તેમની આવકનો સ્ત્રોત શું છે? સંઘના લોકો દર વખતે નફરતભર્યા ભાષણો અને બંધારણમાં બદલાવની વાત કરીને કેવી રીતે છટકી જાય છે, આર્થિક ગુનાઓ કરીને કેવી રીતે છટકી જાય છે, આ બધા મુદ્દાઓની તપાસ થવી જોઈએ.
પ્રિયાંક ખડગેએ ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાને જવાબ આપતા X પર પોસ્ટ કરી હતી, જેમાં સૂર્યે કોંગ્રેસનાં હાઈકમાન્ડને લઈને મલ્લિકાર્જૂન ખડગે પર સવાલ ઉઠાવ્યા હતા. પ્રિયાન્કે પુછ્યું કે, ભાજપનું હાઈકમાન્ડ કોણ છે? તમારા મોટાભાગના કાર્યકર્તાઓ તમારી રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષનું નામ પણ બતાવી શકતા નથી, તેમના માટે મોદી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કદાચ પંચાયત સચિવ ત્રણેય છે. જ્યારે પરિસ્થિતી કઠિન થઈ જાય છે તો વડાપ્રધાન સંસદ જતા નથી, પરંતુ RSSને રિપોર્ટ કરવા માટે નાગપુર જતા રહે છે. હું તમને પડકાર આપું છું કે તમે તેને ઊંચા અવાજે કહો ‘મને RSSની જરૂરિયાત નથી, હું ચૂંટણી જીતી શકું છુ કેમ કે મોદીજી અને નડ્ડાજી જ મારા એકમાત્ર હાઇકમાન્ડ છે, અત્યારે અને હંમેશાં.
આ પહેલીવાર નથી જ્યારે પ્રિયાંક ખડગેએ આવું નિવેદન આપ્યું હોય. 2 વર્ષ અગાઉ પણ કર્ણાટકના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ સંગઠન રાજ્યમાં શાંતિ ખલેલ પહોંચાડવાનો અથવા સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે, તો સરકાર તેના પર પ્રતિબંધ મૂકવામાં બિલકુલ ખચકાશે નહીં. કોંગ્રેસે કર્ણાટકમાં તેના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે રાજ્યમાં સત્તામાં આવતાની સાથે જ તે બજરંગ દળ, PFI સહિત જાતિ અને ધર્મના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવતી તમામ સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરશે અને તેમના પર પ્રતિબંધ મૂકશે. પ્રિયાંક ખડગેએ આ મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે અમે કાયદા અનુસાર જ કાર્યવાહી કરીશું અને કાયદો તોડનારાઓ સામે પણ કાર્યવાહી કરીશું. જ્યારે પ્રિયાંકને પૂછવામાં આવ્યું કે શું સરકાર RSS અને બજરંગ દળ પર પણ પ્રતિબંધ મૂકશે? ત્યારે તેમણે કહ્યું કે, 'શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ સંગઠન કે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. ભલે તે હું જ કેમ ન હોય હોઉં?'
કેશવ બલરામ હેડગેવારે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે RSSની સ્થાપના કરી હતી. પરંતુ અત્યાર સુધી આ સંગઠન પર અલગ અલગ કારણોસર 3 વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 1948માં મહાત્મા ગાંધીની હત્યા બાદ, સંઘ પર 18 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે બાપુની હત્યાને RSS સાથે જોડીને જોવામાં આવી હતી. ત્યારબાદ, 1975માં, ઇન્દિરા ગાંધીની સરકારે કટોકટીનો વિરોધ કરવા બદલ RSS પર પ્રતિબંધ મૂક્યો હતો, જે બે વર્ષ સુધી ચાલુ રહ્યો. ત્રીજી વખત, 1992માં RSS પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કારણ કે અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસમાં સંઘની ભૂમિકા હતી. પરંતુ આ પ્રતિબંધ 6 મહિના બાદ હટાવી લેવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp