ભારતના આ રાજ્યમાં ફેલાઈ રહી છે જીવલેણ બિમારી! અત્યાર સુધીમાં આટલા મૃત્યુ નોંધાયા, જાણો કેવી રીતે બચી શકાશે?
કોરોના બાદ કેરળમાં ફરી એક જીવલેણ બિમારીએ માથું ઊંચક્યું છે, જે નાના બાળકથી લઈને વૃદ્ધોને ઝપેટમાં લઈ રહી છે. આ ગંભીર બિમારીનું નામ 'પ્રાઈમરી અમીબિક મેનિન્જોએન્સેફાલાઈટિસ' (PAM) છે, જેના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નેગલેરિયા ફાઉલેરી નામના અમીબાથી થતો આ એક મગજનો ચેપ છે. જેનો મૃત્યુદર ઘણો ઊંચો છે. આ બિમારી સામાન્ય રીતે ‘મગજ ખાઈ જતી અમીબા’ તરીકે ઓળખાય છે.
કેરળમાં આ રોગનો પ્રથમ કેસ ૨૦૧૬માં નોંધાયો હતો અને ૨૦૨૩ સુધીમાં કુલ આઠ કેસ થયા હતા. જ્યારે ૨૦૨૪માં આ કેસ વધીને ૩૬ થયા હતા, જેમાં નવ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૦૨૫માં કેરળમાં આ બિમારીના લગભગ 61 જેટલા કેસ નોંધાયા છે, જેમાં 19 લોકો મૃત્યુ પામ્યા છે. આ ચિંતાજનક આંકડાએ આરોગ્ય અધિકારીઓને દોડતા કરી દીધા છે. કેરળનું આરોગ્ય વિભાગ અમીબા સંક્રમણને અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જનું કહેવું છે કે, કેરળ એક ગંભીર જાહેર આરોગ્ય પડકારનો સામનો કરી રહ્યું છે. આ ચેપ પહેલા કોઝિકોડ અને મલપ્પુરમ જેવા જિલ્લાઓ પૂરતો સીમિત હતો. પરંતુ હવે તે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે.
ચેપના લક્ષણો
ચેપના લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના એકથી નવ દિવસની અંદર દેખાવા લાગે છે અને તે ખૂબ ઝડપથી ફેલાય છે. પ્રારંભિક લક્ષણોમાં તીવ્ર માથાનો દુખાવો, તાવ, ઉબકા અને ઊલટી, ગરદન જકડાઈ જવી, ગંધ અને સ્વાદ પારખવામાં ફેરફાર જેવી અસરો વર્તાય છે. આ રોગથી બચવા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેથી સંક્રમણની ઓળખ કરવા માટે પાણીના નમૂનાઓ પણ લેવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના અમીબા ગરમ, સ્થિર અને મીઠા પાણીમાં જોવા મળે છે, જેમ કે તળાવો, નદીઓ, ગરમ ઝરણાં, અને ક્લોરિનયુક્ત સ્વિમિંગ પુલમાં. આ દૂષિત પાણી નાકથી શરીરમાં પ્રવેશે, ત્યારે ચેપની અસર શરૂ થાય છે. અમીબા ચેપ નાકમાંથી શરીરમાં ગયા બાદ મગજ સુધી પહોંચે છે અને મગજની પેશીઓને ગંભીર નુકસાન કરે છે. જેના પરિણામે મગજમાં ગંભીર સોજો સહિતની અસરો જોવા મળે છે. જો કે આ ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp