સંતાન વિહોણા લોકોને સતાવે છે મૃત્યુ બાદના પિંડદાનની ચિંતા? તો આ રહ્યો ઉપાય? જે બાકીના બધા માટે નથી! જાણો
સનાતન ધર્મમાં શ્રાદ્ધ અને પિંડદાનની પરંપરા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે દર વર્ષે પિતૃ પક્ષમાં 15 દિવસ દરમિયાન તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરે છે. વાસ્તવમાં આ સમય પૂર્વજોને યાદ કરી તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો હોય છે. આ દરમિયાન લાખો લોકો પોતાના પૂર્વજોની આત્માઓના મોક્ષ માટે આ ધાર્મિક કર્મો કરે છે.
આમ તો પિંડદાન વ્યક્તિના મૃત્યુ પછી જ કરવામાં આવે છે, પરંતુ ભારતમાં એક અનોખી પરંપરા પણ જોવા મળે છે. બિહારના ગયામાં સ્થિત જનાર્દન મંદિરમાં લોકો દ્વારા જીવતે જીવ પોતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે. લોકોનું માનવું છે કે, આમ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને આત્માને શાંતિ મળે છે.
બિહાર સ્થિત ગયાજીનું જનાર્દન મંદિર અન્ય મંદિરોથી સંપૂર્ણપણે અલગ છે. પથ્થરોથી બનેલું આ મંદિર ભસ્મકૂટ પર્વત પર આવેલું છે. અહીં ભગવાન વિષ્ણુ જનાર્દનના સ્વરૂપે બિરાજે છે. સામાન્ય રીતે શ્રાદ્ધ અને પિંડદાન મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે, પરંતુ આ મંદિરની વિશેષતા એ છે કે અહીં જીવિત વ્યક્તિ ખુદ પોતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરે છે. પોતાના પિંડદાનની આ પરંપરા હજારો વર્ષ જૂની છે, જે આજે પણ એટલી જ આસ્થા અને શ્રદ્ધા સાથે નિભાવવામાં આવે છે. આ અનોખી પરંપરાને કારણે, જનાર્દન મંદિર ભક્તોમાં ખાસ પ્રખ્યાત છે. પિતૃ પક્ષના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળે છે.
જો કે જનાર્દન મંદિરમાં દરેક વ્યક્તિ પોતાનું પિંડદાન નથી કરી શકતી. આ પરંપરા કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ નિભાવવામાં આવે છે. જે લોકોને બાળકો નથી, અથવા પરિવારમાં કોઈ પિંડદાન કરવા માટે નથી, એવા લોકો મૃત્યુ પહેલાં આ મંદિરમાં આવીને પોતાનું પિંડદાન કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો જે પરિવાર હોવા છતાં ત્યાગ અથવા સંન્યાસ લે છે, તેઓ પણ આ મંદિરમાં આવીને પોતાનું પિંડદાન કરે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી તેઓ જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે અને તેમના આત્માને શાંતિ મળે છે. આ એક એવી વિધિ છે જેને જીવનનો અંતિમ આધ્યાત્મિક તબક્કો માનવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp