સુદાનમાં ચાલી રહેલા નરસંહાર વચ્ચે રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)ના લડવૈયાઓએ એક ભારતીય યુવાનનું અપહરણ કરી લીધું છે. આ યુવકનું નામ આદર્શ બેહરા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પીડિતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સુદાનના લડવૈયાઓ વચ્ચે દેખાય છે. એવો દાવો કરવામાં આવે છે કે આદર્શનું અપહરણ કર્યા બાદ RSFના લડવૈયાઓએ તેને પૂછ્યું કે, ‘શું તું શાહરૂખ ખાનને જાણે છે?’
સુદાનમાં સત્તાને લઈને બે જનરલો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે: સુદાનના સશસ્ત્ર દળો (SAF)ના વડા અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)ના નેતા મોહમ્મદ હમદાન દગાલો, જેને હેમેદતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે જણાવ્યું કે ભારતીય નાગરિક આદર્શ બેહરાનું RSF લડવૈયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એક વીડિયોમાં આદર્શ બેહરા બે RSF લડવૈયાઓ વચ્ચે બેઠો દેખાય છે, જેમાંથી એક તેને પૂછે છે, ‘શું તું શાહરૂખ ખાનને જાણે છે?’ તેમની પાછળ ઉભેલા અન્ય એક વ્યક્તિ તેને કેમેરા સામે કહેવા માટે ઉશ્કેરે છે, ‘દગાલો સારા છે.’
દગાલો દેખીતી રીતે RSF નેતા મોહમ્મદ હમદાન દગાલોનો ઉલ્લેખ કરે છે, જેને ‘હેમેદતી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહેવાલો અનુસાર, 36 વર્ષીય આદર્શ બેહરાનું ખાર્તુમથી આશરે 1,000 કિલોમીટર દૂર સુદાનના સંઘર્ષગ્રસ્ત પ્રદેશ અલ-ફાશીરથી અપહરણ કરવામાં આવ્યું હતું. આદર્શને અલ-ફશીરથી ન્યાલા લઈ જય શકાય છે, જે RSFનો ગઢ માનવામાં આવે છે. ન્યાલા એ RSFનો ગઢ છે અને દક્ષિણપશ્ચિમ સુદાનમાં દક્ષિણ દારફુરની રાજધાની છે, જે ખાર્તુમથી આશરે 1,200 કિલોમીટર દૂર છે.
આદર્શ બેહરા ઓડિશાના જગતસિંહપુર જિલ્લાનો રહેવાસી છે. તે 2022થી અહીં સુકરાતી પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો. આદર્શના પરિવારે એક વીડિયો શેર કર્યો છે જેમાં આદર્શ હાથ જોડીને જમીન પર બેઠો છે અને કેમેરા સામે વિનંતી કરી રહ્યો છે કે, "હું અલ ફશીરમાં છું, જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું બે વર્ષથી ખૂબ જ મુશ્કેલીથી અહીં રહી રહ્યો છું. મારો પરિવાર અને બાળકો ખૂબ જ ચિંતિત છે. હું રાજ્ય (ઓડિશા) સરકારને મારી મદદ કરવા વિનંતી કરું છું.’
હાલમાં અલ-ફાશીરમાં રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) અને સુદાનિસ આર્મી (SAF) વચ્ચે ભારે લડાઈ ચાલી રહી છે. કોમ્યુનિકેશન કર્ફ્યુ લાગુ છે, જેના કારણે રહેવાસીઓનો સંપર્ક કરવો મુશ્કેલ બની રહ્યો છે. NDTVના અહેવાલ અનુસાર, ભારતમાં સુદાનના રાજદૂત ડૉ. મોહમ્મદ અબ્દુલ્લા અલી એલ્ટોમે આ બાબતે જણાવ્યું હતું કે, ‘જેમ તમે અપેક્ષા રાખી શકો છો, અલ-ફાશીરમાં સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. શહેરમાં આ સમયે કોઈ પણ વ્યક્તિ કોઈનો સંપર્ક કરી શકતું નથી. અને અમે ચોક્કસપણે આશા રાખીએ છીએ કે તેને (આદર્શ બેહરા) કોઈ નુકસાન ન પહોંચે અથવા ઇજાગ્રસ્ત ન થાય. આ ખૂબ જ અણધાર્યું છે. અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે અને અમે જોયું છે કે તે શું કરી શકે છે. અમને આશા છે કે તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવશે. અને અમે આશા રાખીએ છીએ કે તે જલ્દીથી સુરક્ષિત રીતે પાછો ફરશે.’
સુદાનમાં સંઘર્ષે ભારે તબાહી મચાવી છે. સુદાનિસ આર્મી (SAF) અને RSF વચ્ચે જૂન 2023થી હિંસા ચાલી રહી છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC)એ સોમવાર, 2 નવેમ્બરના રોજ ચેતવણી આપી હતી કે પ્રદેશમાં સામૂહિક હત્યાકાંડ અને બળાત્કારના અહેવાલો બાદ RSFની કાર્યવાહી યુદ્ધ ગુનાઓ સમાન હોઈ શકે છે.