‘મરાઠી નથી આવડતી તો મહારાષ્ટ્ર છોડી દો’ જેવું જ ઉદાહરણ દિલ્હીમાં પણ જોવા મળ્યું. હેરાનીની વાત એ છે કે, આ ઘટનામાં એક કાઉન્સિલર સામેલ છે. નામ છે રેણુ ચૌધરી, તેઓ પૂર્વ દિલ્હીના ભાજપ કાઉન્સિલર છે. તેમના હિન્દી પ્રત્યેના પ્રેમના નિશાન એક આફ્રિકન નાગરિક બન્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. કાઉન્સિલર રેણુ ચૌધરી એ આફ્રિકન વ્યક્તિને એક મહિનાની અંદર હિન્દી શીખવા અથવા પાર્ક ખાલી કરવા કહેતા જોવા મળે છે.
ભાજપ કાઉન્સિલર તે વ્યક્તિને ધમકાવે છે અને બૂમો પાડે છે. આ વ્યક્તિ ફૂટબોલ કોચ હોવાનું કહેવાય છે. આ ઘટના પૂર્વ દિલ્હીના પટપડગંજ વિસ્તારમાં બની હતી. આફ્રિકન કોચ અહીંના એક પાર્કમાં બાળકોને તાલીમ આપે છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, ઘટના સમયે તે તાલીમ આપી રહ્યો હતો, ત્યારે જ ભાજપના કાઉન્સિલર રેણુ ચૌધરી પહોંચ્યા. તેમણે કોચને અલ્ટીમેટમ આપતા અહી સુધી કહી દીધું કે જો તે એક મહિનાની અંદર હિન્દી નહીં શીખે તો પાર્ક તેની પાસેથી છીનવી લેવામાં આવશે.
વાયરલ વીડિયોમાં, રેણુ ચૌધરી સ્થાનિક રહેવાસીઓ અને બાળકોને તાલીમ આપનારા આફ્રિકન કોચ સાથે આક્રમક રીતે વાત કરતા જોવા મળે છે. તેઓ બૂમો પાડતા કહે છે, "તમે મારી વાત પ્રત્યે ગંભીર નથી, સાંભળીને પણ રાજી નથી. હિન્દી કેમ નથી શીખી?" તેમણે નજીકમાં ઉભેલા લોકોને કહ્યું, "જો આ માણસ આવતા મહિનામાં હિન્દી નહીં શીખે, તો તેની પાસેથી પાર્ક છીનવી લો. આ હસવાની વાત નથી; હું ગંભીર છું. કહ્યું તેના 8 મહિના થઈ ગયા છે. જો તમે આ જગ્યાએથી પૈસા લઈ રહ્યા છો, તો હિન્દી બોલતા શીખો."
વીડિયોના અંતે, કાઉન્સિલર કોઈ પર આંગળી ચીંધતા ચેતવણી આપતા જોવા મળે છે કે પાર્ક રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ કરી દેવો જોઈએ. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે જો પાર્કમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થશે તો ત્યાં હાજર લોકો જવાબદાર રહેશે." એવું કહેવામાં આવી રહ્યું છે કે કાઉન્સિલરે 8 મહિના અગાઉ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ સ્થાનિક રહેવાસીઓની વિનંતી પર, તેમણે કોચને તાલીમ ચાલુ રાખવાની મંજૂરી આપી.
રેણુ ચૌધરીની સ્પષ્ટતા એક વિદેશી નાગરિકને ધમકી આપતી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આવી છે. તેમણે કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ અંગ્રેજી જાણતા નથી, જ્યારે આફ્રિકન કોચ છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં રહે છે. તેમ છતા તે બેઝિક હિન્દી પણ સમજી શકતો નથી, જેનાથી સંવાદમાં મુશ્કેલીઓ ઊભી થાય છે અને ગેરસમજણ વધી રહી છે. તેમણે દાવો કર્યો કે તેમનો ઇરાદો કોઈને ડરાવવાનો નહોતો, પરંતુ વાતચીતને સરળ બનાવવા માટે તેમને હિન્દી શીખવાની "સલાહ" આપી હતી.