ઉસ્માન હાદી બાદ બાંગ્લાદેશના વધુ એક વિદ્યાર્થી નેતા પર જીવલેણ હુમલો, અજાણ્યા લોકોએ માથામાં ગોળી મારી
બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ હિંસા ચાલુ છે. આ દરમિયાન વધુ એક વિદ્યાર્થી નેતાને ગોળી મારી દેવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ નેશનલ સિટીઝન પાર્ટી (NCP)ના એક વરિષ્ઠ નેતાના માથામાં ગોળી મારી દીધી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.
બાંગ્લાદેશી અખબાર ડેઇલી ન્યૂઝના અહેવાલ મુજબ, પીડિતની ઓળખ મોહમ્મદ મોતાલેબ સિકદર (42) તરીકે થઈ છે. મોતાલેબ NCPના મજૂર સંઘના કેન્દ્રીય આયોજક છે. આ હુમલો ખુલના જિલ્લાના સોનડાંગા વિસ્તારમાં થયો હતો. પોલીસ અધિકારી મોહમ્મદ રફીકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે હુમલાખોરોએ 22 ડિસેમ્બર, સોમવારે સવારે લગભગ 11:45 વાગ્યે તેના માથામાં ગોળી મારી હતી.
તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોને ટાંકીને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોતાલેબ જોખમથી બહાર છે. ગોળી તેમના કાનની એક બાજુ ઘૂસી ગઈ અને ત્વચાને ફાડતી બીજી બાજુ નીકળી ગઈ હતી. NCPના એક નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી થોડા દિવસોમાં ખુલનામાં મંડલ કાર્યકર્તાઓની રેલીનું આયોજન થવાનું હતું. તેના માટે તે પર કામ કરી રહ્યો હતો.
સોનડાંગા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અનિમેષ મંડલે સ્થાનિક અખબાર પ્રથમ આલોને જણાવ્યું હતું કે જ્યારે મોતાલેબને બદમાશોએ ગોળી મારી હતી, ત્યારે ત્યાં હાજર લોકો તેને પહેલા ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી, તેને માથાના સીટી સ્કેન માટે સિટી ડાયગ્નોસ્ટિક સેન્ટર લઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે મોતાલેબને ગાઝી મેડિકલ કોલેજ હોસ્પિટલની પાછળના એક ઘરમાં ગોળી મારી દેવામાં આવી હતી. ઘટનાની તપાસ ચાલુ છે.
અગાઉ, કટ્ટરપંથી નેતા શરીફ ઓસ્માન હાદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના કારણે ઢાકા સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી. 32 વર્ષીય હાદી પર 12 ડિસેમ્બરે ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ તેમના માથામાં ગોળી મારી હતી. તેમને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા અને 18 ડિસેમ્બરે તેમનું મૃત્યુ થયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp