‘તાજમહેલ આગ્રાની જનતા માટે શ્રાપ’, આ નિયમો પર ભાજપના સાંસદે ઉઠાવ્યા સવાલ
લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન આગ્રાના ભાજપના સાંસદ રાજકુમાર ચાહરે શહેર સાથે સંબંધિત એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું હતું કે તાજમહેલની સુંદરતા વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ) અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના કડક નિયમો આગ્રાના વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. તેમના મતે, આ નિયમો નવા ઉદ્યોગોની સ્થાપના અને રોજગારીની તકોનું સર્જન અટકાવી રહ્યા છે.
રાજકુમાર ચાહરે ગૃહમાં જણાવ્યું હતું કે, ‘તાજમહેલ ખૂબ જ સુંદર છે, પરંતુ તેની સુંદરતા આગ્રાના લોકો માટે શ્રાપ બની ગઈ છે. આજ કારણ છે કે તાજમહેલની સુંદરતા નષ્ટ ન થાય તે માટે તાજ ટ્રેપેઝિયમ ઝોન, TTZ અને NGT લાગુ કરવામાં આવ્યા છે. TTZ અને NGTને કારણે, આગ્રામાં ઉદ્યોગો કે કારખાનાઓ સ્થાપિત થઈ શકતા નથી, અને આગ્રાના યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે.’
સાંસદ ચાહરે આગ્રાની ઉત્તમ કનેક્ટિવિટીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ શહેર દિલ્હી-આગ્રા એક્સપ્રેસવે, લખનૌ-આગ્રા એક્સપ્રેસવે અને ટૂંક સમયમાં બનનાર ગ્વાલિયર-આગ્રા એક્સપ્રેસવે દ્વારા શહેર દેશના મોટા ભાગ સાથે જોડાયેલું છે. આગ્રાથી જયપુર માટે પણ છે. આગ્રા દિલ્હીની ખૂબ નજીક છે.
રાજકુમાર ચાહરે કહ્યું કે, TTZ નિયમોને કારણે ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગો સ્થાપવા લગભગ અશક્ય છે, તેથી આગળ વધવાનો એકમાત્ર રસ્તો IT ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે.
તેમણે સરકાર પાસેથી માંગણી કરી કે, ‘હવે આપણી પાસે ફક્ત એક જ વિકલ્પ બચ્યો છે. જ્યારે મર્યાદાઓને કારણે ફેક્ટરીઓ અને ઉદ્યોગો સ્થાપિત કરી શકાતા નથી, ત્યારે આગ્રામાં સમગ્ર દેશ માટે IT હબ સ્થાપિત કરી શકાય છે. તેથી, હું સરકાર પાસેથી માંગણી કરું છું કે, આગ્રામાં બેરોજગારોને ધ્યાનમાં રાખીને આગ્રાના લોકોના હિતમાં આગ્રાને આઇટી હબ બનાવવામાં આવે, જેથી ત્યાંના લોકોને ન્યાય મળી શકે અને તાજમહેલની સુંદરતા અકબંધ રહે.’
સાંસદનું માનવું છે કે, IT હબ બનવાથી આગ્રાના યુવાનોને રોજગાર મળશે અને શહેર આર્થિક રીતે મજબૂત બનશે. આનાથી તાજમહેલની સુંદરતાને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસનો માર્ગ પણ મોકળો થશે. લોકસભામાં આપવામાં આવેલું આ નિવેદન આગ્રાના વિકાસ મોડેલ પર મોટી બહેસ છેડી શકે છે, કારણ કે એક તરફ ઐતિહાસિક વારસાનું રક્ષણ છે, તો બીજી તરફ લાખો યુવાનો માટે રોજગારનો પ્રશ્ન છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp