હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને મળી વધુ એક મહત્ત્વની જવાબદારી
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠું પડી રહ્યું છે. માવઠાના મારને ઘણા ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક કાપવા અને લણણીનો સમય ચાલી રહ્યો છે. ઘણાખરા ખેડૂતોએ ડાંગર કાપી પણ દીધું હતું, તો સૌરાષ્ટ્રના ખેડૂતોના મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોને મોટાપાયે નુકસાન થયું છે. એવામાં ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતોએ પાક તૈયાર કરવા માટે પૈસા પાણીની જેમ વહાવ્યા હતા અને મહિનાઓ સુધી તેની માવજત કરી હતી.
માવઠાને ધ્યાનમાં લઈને ઘણા ધારાસભ્યો અને સાંસદોએ ખેડૂતોને વળતર મળે તેવી માગ કરતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીએ આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઉતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની ખેડૂતોને સહાય ચૂકવવા મંજૂરી આપવામાં આવી છે. માવઠાથી થયેલાં નુકસાનને લઈને રાજ્યના 5 મંત્રીઓએ જમીનસ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટના આધારે પાક નુકસાની સહાયની જાહેરાત કરવામાં આવશે.
આ ઉપરાંત આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ અગાઉ આ જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી જવાબદારી હેઠળ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે. બંને નેતા આ આગાઉ પણ પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp