PMO અને રાજભવનોના નામ બદલાયા; જાણો હવે કયા નામે ઓળખાશે આ સ્થળો
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અને રાજભાવનોના નામ બદલવામાં આવ્યા છે. હવે PMOનું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. હવે તે સેવા તીર્થ તરીકે ઓળખાશે. દેશભરના રાજભવનો નામ પણ બદલવામાં આવ્યા છે. હવે રાજભવનો લોકભવન તરીકે ઓળખાશે.
PMOએ જણાવ્યું હતું કે ભારતની પબ્લિક સંસ્થાઓમાં એક મોટો બદલાવ થઈ રહ્યો છે. ગવર્નેન્સનો આઇડિયા સત્તાથી સેવા અને સત્તાથી જવાબદારી તરફ બદલાઈ રહ્યો છે. આ પરિવર્તન ફક્ત વહીવટી જ નહીં સાંસ્કૃતિક પણ છે. PMO હવે પોતાના 78 વર્ષ જૂના સાઉથ બ્લોકથી ‘સેવા તીર્થ’ નામના નવા અદ્યતન કેમ્પસમાં સ્થળાંતર કરી રહ્યું છે. આ પરિવર્તન સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેક્ટનો એક મુખ્ય ભાગ છે.
તો દેશભરના રાજભવનો નામ પણ લોક ભવન રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા વર્ષે રાજ્યપાલોના પરિષદમાં થયેલી ચર્ચાનો સંદર્ભ આપતા કહ્યું હતું કે રાજભવન નામ એક ઔપનિવેશિક માનસિકતા દર્શાવે છે. એટલે, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોના કાર્યાલયો હવે લોક ભવન અને લોક નિવાસ તરીકે ઓળખાશે.
આ અગાઉ, કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખ્યું હતું. PMO અનુસાર, આ રસ્તો હવે સંદેશ આપે છેપાવર કોઈ હક નથી; તે એક ફરજ છે. 2016માં પ્રધાનમંત્રી નિવાસસ્થાનનું નામ પણ બદલવામાં આવ્યું હતું. આ અગાઉ, પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું નામ રેસકોર્સ રોડ હતું, પરંતુ 2016માં તેને લોક કલ્યાણ માર્ગ રાખવામાં આવ્યું. આ નામ જન કલ્યાણની ભાવનાને રેખાંકિત કરે છે. અધિકારીઓના મતે આ નામ વિશિષ્ટતા નહીં, પરંતુ કલ્યાણની ભાવના દર્શાવે છે અને દરેક ચૂંટાયેલી સરકારના ભાવિ કાર્યની યાદ અપાવે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, શાસનના ક્ષેત્રોને કર્તવ્ય અને પારદર્શિતાને પ્રતિબિંબિત કરવા માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક વિશાળ વહીવટી કેન્દ્ર, કેન્દ્રીય સચિવાલયનું નામ કર્તવ્ય ભવન રાખવામાં આવ્યું છે, જે આ વિચારની આસપાસ બનાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે જાહેર સેવા એક પ્રતિબદ્ધતા છે. આ ફેરફારો એક ઊંડા વૈચારિક પરિવર્તનનું પ્રતીક છે. ભારતીય લોકશાહી સત્તા કરતા જવાબદારી અને પદ કરતા સેવા પસંદ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘નામોમાં ફેરફાર માનસિકતામાં પરિવર્તનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આજે, તેઓ સેવા, ફરજ અને નાગરિક-પ્રથમ શાસનની ભાષા બોલે છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp