ભારતના પ્રવાસ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપ પર લગાવ્યો મોટો આરોપ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 થી 5 ડિસેમ્બર સુધી ભારતની મુલાકાતે આવશે. ભારતના પ્રવાસ અગાઉ પુતિને યુરોપને સીધો સંદેશ મોકલ્યો. તેમણે કહ્યું કે, જો યુરોપ કોઈપણ પ્રકારનો સંઘર્ષ કે યુદ્ધ ઇચ્છે છે, તો રશિયા તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. રશિયા યુદ્ધ શરૂ કરવા માંગતું નથી, પરંતુ જો મજબૂર કરવામાં આવશે તો તે પાછળ નહીં હટે.
પુતિને યુરોપ પર આરોપ લગાવ્યો કે, તે યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે અસ્વીકાર્ય માંગણીઓ રાખી રહ્યું. પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમી દેશો ખાસ કરીને યુરોપિયન યુનિયન, યુક્રેનને સતત લશ્કરી સહાય પૂરી પાડી રહ્યા છે. આનાથી રશિયા અને યુરોપ વચ્ચે તણાવ વધુ ગાઢ બન્યો છે. રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચેનો અવરોધ વધુ તેજ બની રહ્યો છે.
પુતિને કહ્યું કે યુરોપીય શક્તિઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ કરારના પ્રયાસોમાં અડચણ નાખી રહી છે, જેથી રશિયા પર શાંતિ ઇચ્છતા ન હોવાનો આરોપ લગાવી શકાય.. યુરોપે રશિયા સાથે સંપર્ક તોડીને શાંતિ વાટાઘાટોમાંથી પોતાને બાકાત કરી લીધું છે. તેમણે એમ પણ કહ્યું કે શાંતિ પ્રક્રિયા ત્યારે જ આગળ વધી શકે છે જો બધા પક્ષો સંવાદ પ્રત્યે ગંભીર હોય.
આ દરમિયાન યુક્રેનમાં લડાઈ વધુ તેજ થઈ ગઈ છે. પોકરોવસ્ક નામના વ્યૂહાત્મક શહેરને લઈને બંને દેશો વચ્ચે ખાસ કરીને મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે. આ શહેર મહત્ત્વપૂર્ણ છે કારણ કે, ઘણા મહત્ત્વપૂર્ણ લશ્કરી અને પુરવઠા માર્ગો ત્યાંથી પસાર થાય છે. રશિયાએ દાવો કર્યો છે કે તેના દળોએ પોકરોવસ્ક પર કબજો કરી લીધો છે, પરંતુ યુક્રેને આ દાવાને પૂરી રીતે નકારી કાઢ્યો છે. યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે શહેરમાં હજુ પણ લડાઈ ચાલુ છે અને રશિયાનો સંપૂર્ણ નિયંત્રણ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp