સુપરહિટ ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો રાજકોટના ક્રિસ્ટલ મોલમાં પહોંચતા જ અફરાતફરી જેવો માહોલ સર્જાયો, જુઓ વીડિયો
ગુજરાતી ફિલ્મ 'લાલો કૃષ્ણ સદા સહાયતે'ના કલાકારો 2 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ઓવર ક્રાઉડના કારણે ઘણા બાળકો ફસાયા હતા.
મંગળવારે વહેલી સવારથી જ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મના પ્રમોશન માટે તૈયારીઓ ચાલી રહી હતી. ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મના મુખ્ય કલાકારો કરણ જોશી (લાલો), રીવા રાચ્છ (તુલસી), અને અન્ય સહયોગી કલાકારો રાજકોટ પહોંચ્યા હતા. આ ફિલ્મ એક સામાન્ય રિક્ષાચાલક લાલાની આધ્યાત્મિક યાત્રા, પારિવારિક મુશ્કેલીઓ અને શ્રી કૃષ્ણના માર્ગદર્શન પર આધારિત છે, રિલીઝ થયા બાદ ગુજરાત સહિત દેશ-વિદેશોમાં પણ આ ફિલ્મ લોકપ્રિયતા મેળવી ચૂકી છે. બોક્સ ઓફિસ પર તેની કમાણી 100 કરોડને પાર કરી ચૂકી છે. મહિલાઓ તેમજ પારિવારિક પ્રેક્ષકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારણે રાજકોટ જેવા મોટા શહેરોમાં પ્રમોશન ઇવેન્ટ્સમાં હજારો ચાહકો ઉમટી પડ્યા હતા.
બપોરે 12:00 વાગ્યાની આસપાસ આ ફિલ્મના કલાકારો રાજકોટના ક્રિસ્ટલ મોલ પહોંચ્યા હતા. ચાહકોની ભારે ભીડને કારણે મોલની ઇન્ટરનલ સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. હજારો લોકો-પુરુષો, મહિલાઓ-બાળકો, કલાકારોની એક ઝલક મેળવવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. આ ભીડમાં ઘણા બાળકો તેમના માતા-પિતા સાથે આવ્યા હતા, જેઓ ભીડમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન એક નાની બાળકી ઇલેક્ટ્રિક એસ્કેલેટર (સીડી)ના પગથિયે ફસાઈ ગઈ હતી. જો કે, બે લોકો આ બાળકી માટે દેવદૂત બન્યા, જેના કારણે આ છોકરી માંડ માંડ બચી શકી. જો આ લોકોએ સમયસૂચકતા વાપરીને બાળકીને બચાવી ન હોત તો બાળકીને ગંભીર ઇજાઓ થઈ હોત અથવા તેનું મોત પણ થઈ શકતું હતું. તેમણે ભીડને ધક્કો આપીને રસ્તો ખોલ્યો, બાળકીને પકડીને તેને સુરક્ષિત જમીન પર ઉતારી હતી.
આ ઘટનામાં અનેક નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના વીડિયો સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આયોજકો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા. તો બીજી તરફ ફિલ્મ 'લાલો'ના પ્રમોશન માટે આવેલા કલાકારોએ પણ અફરાતફરીનો માહોલ જોતાં તાત્કાલિક કાર્યક્રમ પડતો મુક્યો હતો. વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈને કલાકારોએ તાત્કાલિક મોલમાંથી વિદાય લીધી હતી અને આ કલાકારોએ રાજકોટમાં પોતાના પ્રમોશનનો કાર્યક્રમ ટૂંકાવ્યો હતો.
#Stampede like situation in #Rajkot during promotional event of film #Lalo. No #casualties are reported. Questions raised on security arrangements and measures?#GroundReport #Gujarat pic.twitter.com/OZUZQF9tiz — Swarali (@Journo_Swarali) December 2, 2025
#Stampede like situation in #Rajkot during promotional event of film #Lalo. No #casualties are reported. Questions raised on security arrangements and measures?#GroundReport #Gujarat pic.twitter.com/OZUZQF9tiz
આ ઘટનાએ જાહેર કાર્યક્રમોના આયોજનની સુરક્ષા અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા બંદોબસ્તની જવાબદારી મોલ ઓથોરિટી અને કાર્યક્રમના આયોજકોની હોય છે, પરંતુ આ કિસ્સામાં તેમની ઘોર બેદરકારી સામે આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp