સુરતના ભીમરાડમાં બિલ્ડરની બેદરકારીને કારણે ૪૦૦ પરિવારો થયા બેઘર, કફોળી હાલતમાં મુકાતા ન્યાયની માંગણી કરી! જાણો
સુરતના ભીમરાડ વિસ્તારમાં બિલ્ડરની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ મધ્યમવર્ગીય પરિવારો બન્યા છે. ભીમરાડ સ્થિત 'શિવ રેસિડેન્સી'ના 4 ટાવરના 15 વર્ષથી રહેતા 400 પરિવારોને પોતાના સપનાના ઘર છોડીને રસ્તા પર આવવાનો વારો આવ્યો છે. આ મામલે કાર્યવાહી કરતાં કોર્પોરેશને બિલ્ડર, એન્જિયર સહિત 4ના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.
સુરતના ભીમરાડ ચાર રસ્તા પર રાજ લક્ષ્મી ગ્રુપ દ્વારા 13 માળના પાંચ ટાવર બનાવવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી. અહીં બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટના બેઝમેન્ટની કામગીરી દરમિયાન દીવાલ તૂટી જવા સાથે માટી ધસી ગઈ હતી. આ ઘટના બાદ 25 ફુટ નજીક આવેલી શિવ રેસીડેન્સીને પણ નુકસાન થાય તેવી ભીતિથી રાતોરાત 400 મકાનો ખાલી કરાવાયા હતા. અહીં શિવ રેસીડન્સીના ફ્લેટ ધારકો કફોળી હાલતમાં મુકાતા રસ્તા પર ઉતરી ન્યાયની માંગણી કરી છે.
રહીશોનો સીધો આક્ષેપ છે કે, બાજુમાં ચાલી રહેલા વિવાન પ્રોજેક્ટના બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ખોદકામ અને બેદરકારીને કારણે શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે. બિલ્ડરના આર્થિક ફાયદા માટે અમારા જીવ જોખમમાં મુકાયા છે અને હવે અમારે ઘર વગર ભટકવાનો વારો આવ્યો છે. ચક્કાજામ દરમિયાન રસ્તા પર ઉતરેલી મહિલાઓની આંખોમાં આસું અને આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકા સામે પણ રોષ ઠાલવ્યો છે.
સમગ્ર ઘટના અંગે રાજ્ય સરકારને જાણ થતા રાજ્ય સરકારે પાલિકા તંત્ર પાસે ઘટનાનો અહેવાલ મંગાવતા પાલિકા તંત્ર દોડતું થયું છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, અર્થ ફીલીંગની કામગીરી 70 ટકા પૂર્ણ થઈ છે અને બાકીની કામગીરી આવતીકાલ સુધીમાં પુરી થાય તેવી શક્યતા છે. માટી પુરાણની સાથે લાઇમ નાખી માટીનું ઝડપથી સેટલમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે 8 પોકલેન, 6 જેસીબી, 50થી વધુ ટ્રકો તથા અન્ય મેન પાવર છે, હવે રિપોર્ટ સાથે પાલિકા તંત્ર સરકારમાં રાઉન્ડ ક્લોક ચાલતી કામગીરી રિપોર્ટ રજૂ કરશે.
સ્થાનિક રહીશોના ભારે હોબાળા બાદ સુરતના કલેકટર અને મેયરે ઘટના સ્થળની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. માહિતી મુજબ, શિવ રેસીડન્સીના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેનો રિપોર્ટ આવી જશે અને સંભવત શનિવારે મોડી રાત્રી સુધીમાં શિવ રેસીડન્સીના અસરગ્રસ્તો પોતાના ઘરે પાછા ફરે તેવી કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત શિવ રેસીડન્સીના પાર્કિંગ તથા અન્ય જે નુકસાન થયું છે તેની ભરપાઈ ડેવલપરના ખર્ચે કરવામાં આવશે. આ માટે ડેવલપર અને શિવ રેસીડન્સીના રહેવાસીઓની બેઠક થઈ છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp