બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના શાસન વિરુદ્ધ આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ભારત વિરુદ્ધ તીખી નિવેદનબાજી કરનારા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપોરમાં મોત થઈ ગયું હતું. ઇન્કિલાબ મંચના કન્વીનરના મોત બાદ ગુરુવારે મોડી રાત્રે ઢાકામાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જેના કારણે હિંસા ભડકી. પ્રદર્શનકારીઓએ પ્રથમ આલો (દેશનું સૌથી મોટું બંગાળી અખબાર) અને ડેઇલી સ્ટારના કાર્યાલયો પર હુમલો કર્યો, તોડફોડ કરી અને આગ લગાવી દીધી. તેમણે રાજશાહીમાં આવામી લીગ કાર્યાલયને પણ આગ ચાંપી દીધી.
આ દરમિયાન, દેશમાં ફાટી નીકળેલી હિંસાને લઈને વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ઢાકામાં ફ્લોર-લેવલ મીટિંગ બોલાવી છે. સિંગાપોરમાં હાદીના મૃત્યુના સમાચાર ફેલાતાં હજારો લોકો શાહબાદ સ્ક્વેર પર એકઠા થયા. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ચોકને અવરોધિત કર્યો. પ્લેકાર્ડ લહેરાવતા પ્રદર્શનકારીઓએ અધિકારીઓ પર હાદીનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો અને પ્રદર્શનો ઝડપથી હિંસામાં ફેરવાઈ ગયા.
પ્રદર્શનકારીઓએ પહેલા કારવાન બજારમાં સ્થિત પ્રથમ આલોના કાર્યાલય પર હુમલો કર્યો, જ્યાં તેમણે અનેક માળ તોડફોડ કરી, ફર્નિચર અને દસ્તાવેજો ખેંચી લીધા અને આગ લગાવી દીધી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘણા પત્રકારો અને કર્મચારીઓ ઇમારતની અંદર ફસાયા હતા. ત્યારબાદ તોફાની તત્વોએ ડેઇલી સ્ટારના કાર્યાલય પર હુમલો કર્યો, તોડફોડ કરી અને આગ લગાવી દીધી.
ત્યારબાદ ગુરુવારે મોડી રાત્રે ચટગાંવમાં ભારતીય ઉચ્ચાયોગ કાર્યાલયની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા અને પથ્થરમારો કર્યો. પ્રદર્શનકારીઓએ ભારત વિરોધી અને અવમી લીગ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, જેમ કે ‘ભારતીય આક્રમણને ધ્વસ્ત કરો!’ અને ‘લીગવાળાને પકડો અને મારો!’
12 ડિસેમ્બરના રોજ, ઢાકાના વિજયનગર વિસ્તારમાં પ્રચાર કરતી વખતે અજાણ્યા હુમલાખોરો દ્વારા હાદીને માથામાં ગોળી મારી દેવામાં આવી હતી. શરૂઆતમાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે ઢાકા દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ 15 ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ દ્વારા સિંગાપોર ખસેડવામાં આવ્યા હતા. સિંગાપોર જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય અને સિંગાપોરના અધિકારીઓ દ્વારા હાદીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.
હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા, મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કર્યું, લોકોને શાંત રહેવા અને કાયદો પોતાના હાથમાં ન લેવા વિનંતી કરી. તેમણે હાદીને જુલાઈના બળવાના નિર્ભય યોદ્ધા અને શહીદ તરીકે વર્ણવતા કહ્યું કે, ‘હાદી પરાજિત ફાશીવાદી આતંકવાદી તાકતોનો દુશ્મન હતો. આપણે ફરીથી એવા લોકોને હરાવીશું જે તેમનો અવાજ દબાવવા અને ક્રાંતિકારીઓમાં ભય પેદા કરવા માંગતા હતા.’ યુનુસે શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી, મસ્જિદોમાં ખાસ પ્રાર્થનાનું આહ્વાન કર્યું, અને વચન આપ્યું કે હાદીના હત્યારાઓને બક્ષવામાં આવશે નહીં. તેમણે એ પણ પ્રતિજ્ઞા લીધી કે સરકાર હાદીની પત્ની અને એકમાત્ર બાળકની જવાબદારી લેશે.
હાદી જુલાઈ 2024ના બળવામાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ ચર્ચામાં આવ્યો હતો, જેણે શેખ હસીના સરકારને ઉથલાવી દીધી હતી. તે આવામી લીગ પર બંધારણીય પ્રતિબંધની માંગ કરતી ઝુંબેશનો નેતા હતો અને તે ભારત તરફી રાજકારણનો કટ્ટર વિરોધી હતો.
શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશમાં એક અગ્રણી રાજકીય કાર્યકર અને વિદ્યાર્થી નેતા હતો. તે ઇન્કલાબ મંચના સ્થાપક સભ્યો અને કન્વીનરોમાંથી એક હતો. તેણે જુલાઈ-ઓગસ્ટ 2024ના બળવા (જેને જુલાઈ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની આવામી લીગ સરકારને ઉથલાવી દીધી હતી.
હાદી તેના ભારત વિરોધી નિવેદનબાજી માટે જાણીતો છે. તેનું માનવું હતું કે ભારત બાંગ્લાદેશમાં ‘વર્ચસ્વ’ લાદી રહ્યું છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર ગ્રેટર બાંગ્લાદેશનો નકશો શેર કર્યો, જેમાં ભારતના કેટલાક ઉત્તરપૂર્વીય પ્રદેશોનો સમાવેશ થાય છે, જેના કારણે મોટો વિવાદ થયો.
તે આગામી ચૂંટણીઓમાં ઢાકા-8 મતવિસ્તાર માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે તેને એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હતી અને સિંગાપોરમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઇ ગયું હતું.