અમદાવાદની ઘટના હજુ તો શાંત નથી થઈ ત્યાં ફરી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર્યા ચપ્પુના ઘા, જાણો શું થયું?
હજુ તો અમદાવાદમાં બનેલ ઘટનાના પડઘા શાંત નથી થયા, ત્યાં ફરી આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ એકબીજા પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. ત્યારે લોકોમાં ડર વ્યાપી રહ્યો છે કે, આટલા નાના બાળકોમાં આટલી બધો ગુસ્સો અને હિંસકતા ક્યાંથી આવી રહી છે.
બાલાસિનોરમાં આ ઘટના શાળા છૂટ્યા બાદ બની હતી, જેમાં 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના જ સહપાઠીને ચપ્પુના ઘા માર્યા હતા. જો કે સદનસીબે, ચપ્પુના ઘા વધારે ઊંડા ન હતા તેથી અમદાવાદ જેવી મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ મામલે ઈજાગ્રસ્ત બાળકના પિતાએ વાત કરતાં કહ્યું કે, “શાળામાં બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બીજા બાળકે મારા બાળકને છરી મારી.” તેમણે વધુમાં જણાવ્યું કે, “મારા બાળકને ડાબા ખભાથી નીચે સુધી પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા છે. બંને બાળકો વચ્ચે શું કારણ હતું તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અંદરોઅંદરના ઝઘડાને કારણે આ મારામારી થઈ હતી.”
ઈજાગ્રસ્ત બાળકના પિતાએ આ ઘટના અંગે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમને શાળાના શિક્ષક દ્વારા ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે, બાળકને કંઈક વાગ્યું છે. શાળાએ પહોંચ્યા બાદ જ તેમને આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. હાલ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.આ પ્રકારની ઘટનાથી વાલીઓમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp