કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર સતર્ક થઇ : નિયમોમાં ફેરફાર કરાયા

કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર સતર્ક થઇ : નિયમોમાં ફેરફાર કરાયા

12/25/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર સતર્ક થઇ : નિયમોમાં ફેરફાર કરાયા

ગુજરાત ડેસ્ક: રાજ્યમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે જેના કારણે સરકાર પણ આ મામલે સતર્ક થઇ છે. ગઈકાલે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામુ બહાર પાડીને આઠ મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યુના કલાકોમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જે અનુસાર હવે રાત્રિ કર્ફ્યુ આઠ કલાકનો રહેશે. 

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુ રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહે છે, જેને સ્થાને હવે રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ નવી ગાઈડલાઈન 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.


આ ઉપરાંત, આઠ મહાનગરોમાં તમામ દુકાનો, રેસ્ટોરન્ટ, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક હાટ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રિના 12 સુધી ચાલુ રાખી શકાય છે તે નિયમમાં ફેરફાર કરાતા હવે 11 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે.

આ પહેલા સરકારે 20 ડિસેમ્બરના રોજ રાત્રિ કર્ફ્યુ લંબાવવા માટે જાહેરનામુ બહાર પાડ્યું હતું, જેમાં રાત્રિ કર્ફ્યુ માત્ર ચાર કલાકનો હતો. પરંતુ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને સરકારે કર્ફ્યુના સમયગાળામાં ફેરફાર કરી દીધો છે. નોંધવું જોઈએ કે ઓમિક્રોનના પગલે કેન્દ્રે પણ રાજ્યોને સૂચના આપી છે કે તેઓ રાત્રિ કર્ફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે વિચાર કરે. ગુજરાત ઉપરાંત યુપીએ પણ રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. 


બીજી તરફ, રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોમાં કાલે થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને આંકડો ફરીથી ડબલ ડીજીટમાં આવતા થોડી રાહત થઇ હતી. ગઈકાલે 24 કલાકમાં નવા 98 કેસ નોંધાયા હતા અને 3 દર્દીઓના મોત થયા હતા. જ્યારે 69 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી.

કુલ કેસોમાંથી, અમદાવાદમાં 32, સુરતમાં 19, વડોદરામાં 12 અને રાજકોટમાં 10 નવા કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 694 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચ્યો છે. 

કુલ 98 માંથી 13 કેસ ઓમિક્રોનના નોંધાયા હતા. જેમાં અમદવાદમાં 2, વડોદરામાં 7, ખેડામાં 3 અને આણંદમાં એક કેસ નોંધાયા હતા. જેની સાથે રાજ્યમાં નવા વેરિયન્ટના કુલ 43 કેસ થયા છે. જેમાંથી 8 સાજા થયા છે. વડોદરમાં સૌથી વધુ 17 કેસ છે. જેઓ સંક્રમિત થયા છે તેમાંથી મોટાભાગના વિદેશથી આવ્યા છે અથવા તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકો છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top