મુગલીસરાયની SMC હેડ ઓફિસ ઉપરનો વકફ બોર્ડનો દાવો કોર્ટે ફગાવ્યો! વકીલ પંડ્યા અને કાયદાસમિતિ ચેરમેન નરેશ રાણાની મહેનત રંગ લાવી!
સુરત: સામાન્ય સુરતીલાલાને કદાચ જાણીને આંચકો લાગશે, પણ ચોક નજીક આવેલી સુરત મહાનગરપાલિકાની હેડ ઓફિસ પર વકફ બોર્ડની માલિકી હોવાનો દાવો કરાયો હતો! એક સમયે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા આંશિક મંજૂરી આપીને સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીને ‘વકફ મિલકત’ જાહેર કરી દેવાઈ હતી! પણ હાઈકોર્ટના વિદ્વાન વકીલ શ્રી કે.ડી. પંડ્યા, કાયદા સમિતિના ચેરમેન નરેશ રાણા, તેમજ મહાનગર પાલિકાના અધિકારીઓએ વળતી કાયદાકીય લડત આપી હતી, જે બાદ વકફ ટ્રીબ્યુનલે એકતરફી દાવો ફગાવ્યો હતો. આખા કેસની વિગતો જાણવા જેવી છે.
સુરતના સોદાગરવાડમાં રહેતા અરજદાર અબ્દુલ્લાહ જરુલ્લાહે 2016માં અરજી કરી હતી, એ મુજબ સુરત મહાનગર પાલિકા ની હાલમાં કાર્યરત કચેરીની જગ્યાને વકફ મિલકત તરીકે નોંધણી કરવા સહિત અન્ય માંગ કરવામાં આવી હતી. જે અરજીને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા 2021ના નવેમ્બરમાં અંશતઃ મંજૂર કરવામાં આવી હતી. જે મુજબ મહાનગર પાલિકાની વડી કચેરીને ‘વક્ફ મિલકત’ તરીકે નોંધવાનું, તેમજ વક્ફના હિતમાં મ્યુનિસિપલ કચેરીવાળા બિલ્ડીંગનો વહીવટ SMCને આધીન રાખવાને બદલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને વહીવટકર્તા તરીકે રાખવા હુકમ કરવામાં આવ્યો હતો! જ્યારે વકફ મિલકત સુચિત ટ્રસ્ટમાં નોંધવા સહિતની અન્ય માંગને નકારી કાઢવામાં આવી છે.
મહાનગરપાલિકાનું મકાન જે હાલમાં ‘મુગલી સરાય’ તરીકે ઓળખાય છે, એને ‘હુમાયુ સરાય’ નામ આપવાની પણ વાત હતી. વકફ બોર્ડના આ ચુકાદા પાછળ સ્પષ્ટપણે કોઈકની ખોરી દાનત જણાઈ આવતી હતી. જો સુરત મહાનગર પાલિકાનું ખુદનું જ બિલ્ડીંગ વકફ બોર્ડ હસ્તક ચાલ્યું ગયું હોત, તો સુરતીઓને તો મોટો આંચકો લાગતે જ, પણ સાથે જ શાસકો માટે પણ આખા દેશમાં નીચાજોણું થાત! પણ હાઈકોર્ટના બાહોશ વકીલ કે.ડી. પંડ્યા, સુરત મહાનગર પાલિકાની કાયદા સમિતિના ચેરમેન અને કોર્પોરેટર શ્રી નરેશ રાણા તેમજ મનપાના બાહોશ અધિકારીઓએ પૂરતી મહેનત કરીને મામલો બચાવી લીધો હતો.
આ આખા મામલે મનપાના અધિકારીઓ અને કાયદા સમિતિના ચેરમેને અંગત રસ લઈને તમામ દસ્તાવેજો ચકાસ્યા હતા. એ ઉપરથી વકીલ શ્રી કૌશિક પંડ્યાએ વકફ ટ્રિબ્યુનલ સમક્ષ મહાનગર પાલિકાનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હતો. એ ઉપરથી વકફ ટ્રિબ્યુનલે SMC બિલ્ડીંગની વકફ મિલકત તરીકે નોંધણી કરતો વકફ બોર્ડનો હુકમ રદ જાહેર કર્યો હતો. એટલું જ નહિ પણ ટ્રિબ્યુનલે વકફ બોર્ડના હુકમને ગેરકાયદેસરનો, કાયદાના પ્રસ્થાપિત ન્યાયિક સિદ્ધાંતો વિરુદ્ધનો, ભૂલભરેલો અને મનસ્વી ગણાવ્યો હતો!
આ ઉપરાંત ટ્રિબ્યુનલે અરજદારને પણ ખોટું સોગંદનામું કરવા બદલ ભીંસમાં લીધો હતો. પોતાના ચુકાદામાં ટ્રિબ્યુનલે જણાવ્યું કે અરજદારે જે શિલાલેખને (તકતી) ‘વકફ ડીડ તરીકે ઓળખાવ્યો છે, એમાં ક્યાંય વક્ફના મુત્તવલ્લીનો ઉલ્લેખ નથી. મુત્તવલ્લી એટલે ટ્રસ્ટી. હાલનો અરજદાર ક્યારેય મુગલ સરાયવાળી મિલકતના ટ્રસ્ટી (મુત્તવલ્લી) હતા જ નહિ. તેમ છતાં સોગંદનામામાં પોતે તકરારી મિલકતના મુત્તવલ્લી હોવાનું જણાવ્યું છે. આ પ્રકારનું ખોટું સોગંદનામું કરવું, એ એક ગુનાહિત કૃત્ય છે.
હાલ તો તંત્રએ મોડે મોડેથી દાખવેલી જાગરુકતાને કારણે એસએમસીની મિલકત બચી ગઈ છે, પણ હવે પછી કોઈ બીજી મિલ્કત આ રીતે ‘તકરારી’ ન બને, એ માટે સમગ્ર તંત્રે અત્યારથી જ કાળજી રાખવી પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp