સુરત આવતી બસમાં લૂંટનો પ્રયાસ : એક મુસાફરની સૂચકતાથી લૂંટનું કાવતરું નિષ્ફળ બન્યું

સુરત આવતી બસમાં લૂંટનો પ્રયાસ : એક મુસાફરની સૂચકતાથી લૂંટનું કાવતરું નિષ્ફળ બન્યું

08/24/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત આવતી બસમાં લૂંટનો પ્રયાસ : એક મુસાફરની સૂચકતાથી લૂંટનું કાવતરું નિષ્ફળ બન્યું

ભરૂચ: ભરૂચ પાસે નેશનલ હાઈ-વે ઉપર ભાવનગરથી સુરત જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો હતો. જોકે, એક મુસાફર અને ક્લિનરની સૂચકતાના કારણે લૂંટારાઓ કર્મચારીઓ સુધી પહોંચી શક્યા ન હતા અને બૂમરાણ મચી જતા ફરાર થઇ ગયા હતા.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરથી સુરત જતી આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું જણાતા લૂંટારુઓ મુસાફર બનીને બસમાં બેસી ગયા હતા. જોકે, બસમાં અંતિમ ક્ષણે તેઓ પહોંચતા તેમને ડ્રાઈવરની કેબિનમાં બેસવા માટે જગ્યા આપવામાં આવી હતી. બસમાં આંગડિયા પેઢીના 3 થી 4 કર્મચારીઓ હતા અને તેમની પાસે અઢી કરોડ રૂપિયાના હીરા હતા. જેને લૂંટવા માટે લૂંટારૂઓ દ્વારા આ કારસો ઘડાયો હતો.

ભરૂચ પાસે નેશનલ હાઈ-વે 48 ઉપર એક અર્ટિગા કારે બસની આડે આવી રોકી દીધી હતી. આ સમયે બસની અંદર બેઠેલા ત્રણ લૂંટારા પણ એક્ટિવ થઇ ગયા હતા. તેમણે આંગડિયા પેઢીના કર્મચારીઓને શોધીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો તો બહારથી લૂંટારૂઓએ ક્લિનર અને ડ્રાઈવર ઉપર હુમલો કરી દીધો હતો. પરંતુ આ દરમિયાન ક્લિનર અને અન્ય એક મુસાફરની સૂચકતા અને બહાદૂરીના કારણે લૂંટ નિષ્ફળ ગઈ હતી.

બસમાં સવાર ભાવનગરના અનિલ ડાંગર નામના મુસાફરે સામે પડીને બસનો દરવાજો બંધ રાખી મુક્યો હતો અને જેના કારણે લૂંટારાઓ અંદર મુસાફરો સુધી પહોંચી શક્યા ન હતા. લૂંટારાઓએ આ બંને ઉપર ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલને હાથમાં ગોળી વાગવાથી ઈજા પહોંચી હતી. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ત્યારબાદ અન્ય મુસાફરોએ પણ સામનો કરતા અને નજીકથી પસાર થતા વાહનોને રોકતા લૂંટારાઓ કારમાં નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આંગડિયા પેઢીના કર્મચારીઓ અને મુસાફરોના નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક આર વી ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટેકનિકલ સર્વેલન્સ સાથે લૂંટારૂઓની કારના વર્ણનના આધારે નેશનલ હાઈ-વેને અડીને આવેલા વિસ્તારોમાં નાકાબંધી શરૂ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top