ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોણ છે? જાણો

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોણ છે? જાણો

09/12/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોણ છે? જાણો

ગાંધીનગર: આખરે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એવા નેતાનું નામ જાહેર થયું, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી! આજે મળેલી ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને તમામ ધારાસભ્યોનું સમર્થન મળ્યા બાદ તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.


૨૦૧૭ માં સૌથી વધુ મતોથી જીત્યા હતા

૫૯ વર્ષીય ભુપેન્દ્ર પટેલે ડીપ્લોમાં સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે તેમજ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાંથી વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને સૌથી વધુ લીડથી જીત્યા હતા. તેમણે ૧,૭૦,૦૦૦ મતોથી જીત મેળવી હતી.

તેઓ સરદારધામ તેમજ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. ઉપરાંત વર્ષ ૨૦૧૫-૧૭ દરમિયાન અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) ના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પણ ફરજ બજાવી ચુક્યા છે.

આ ઉપરાંત, વર્ષ ૧૯૯૫-૯૬ દરમિયાન મેમનગર નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન મેમનગર નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા હતા. આ ઉપરાંત વર્ષ ૨૦૦૮-૧૦ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર તેમજ વર્ષ ૨૦૦૪-૦૬ દરમિયાન સ્કુલ બોર્ડ અમદાવાદના ચેરમેન પણ રહ્યા છે.

તેઓ ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમતો તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રસ ધરાવે છે. હવે આગામી સવા વર્ષ માટે ગુજરાતનું સુકાન તેમના હાથમાં રહેશે. હાલ ગુજરાત તેમજ દેશભરમાંથી તેમની ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.

હવે તેઓ છ વાગ્યે રાજભવન જઈને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી શક્યતા છે.


ભુપેન્દ્ર પટેલ સક્ષમ વ્યક્તિ, તેમના નેતૃત્વમાં ચૂંટણી જીતીશું : વિજય રૂપાણી

ભુપેન્દ્ર પટેલ સક્ષમ વ્યક્તિ, તેમના નેતૃત્વમાં ચૂંટણી જીતીશું : વિજય રૂપાણી

કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુપેન્દ્ર પટેલને લઈને કહ્યું કે, ભુપેન્દ્ર પટેલ સક્ષમ વ્યક્તિ છે. અમને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં અમે આગામી વિધાનસભા ચૂંટણી જીતીશું. નોંધવું મહત્વનું છે કે વિજયભાઈ રૂપાણીએ જ ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


સીઆર પાટિલે શું કહ્યું?

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે કહ્યું કે, શ્રી ભુપેન્દ્ર પટેલજીને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે પદનામિત થવા બદલ અનેકગણા અભિનંદન પાઠવું છું. આપનાં કુશળ નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ નવી ઉંચાઇઓ સર કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું. તેમણે કહ્યું કે, આવનારા ઇલેક્શનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી ૧૮૨ સીટનો ટાર્ગેટ પૂર્ણ કરશે એની ખાતરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top