ક્યારેક સૂટબુટ સાથે ફરતા હતા પૂર્વ અફઘાન મંત્રી, આજે જર્મનીના રસ્તા ઉપર પિઝા ડિલીવરી કરી રહ્યા

ક્યારેક સૂટબુટ સાથે ફરતા હતા પૂર્વ અફઘાન મંત્રી, આજે જર્મનીના રસ્તા ઉપર પિઝા ડિલીવરી કરી રહ્યા છે!

08/25/2021 World

SidhiKhabar

SidhiKhabar

ક્યારેક સૂટબુટ સાથે ફરતા હતા પૂર્વ અફઘાન મંત્રી, આજે જર્મનીના રસ્તા ઉપર પિઝા ડિલીવરી કરી રહ્યા

વર્લ્ડ ડેસ્ક: અફઘાનિસ્તાનમાં (Afghanistan) આતંકી સંગઠન તાલિબાને કબજો મેળવી લીધા બાદ દેશમાંથી સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ અને મંત્રીઓએ પણ દેશ છોડવાની નોબત આવી ગઈ છે. કાબુલ પર તાલિબાનના કબજા સાથે જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની (Ashraf Ghani) દેશ છોડીને ભાગી ગયા હતા. તેમની સાથે દેશના મહત્વના પદો ધરાવતા વ્યક્તિઓ પણ દેશ છોડી ગયા છે.

અફઘાનિસ્તાનના પૂર્વ આઈટી મંત્રી, જેઓ એક સમયે સૂટ-બુટ પહેરીને ચારેતરફ સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા રહેતા હતા, તેઓ હવે પરિસ્થિતિ પલટાઈ ગયા બાદ જર્મનીના રસ્તાઓ ઉપર પીઝા ડિલીવરી કરવાનું કામ કરતા જોવા મળી રહ્યા છે. તેમની તસવીરો ઝડપથી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે.

મીડિયા હાઉસ અલ જઝીરા અરબીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી અફઘાનિસ્તાનના પૂર્વ આઈટી મંત્રી સૈયદ અહમદશાહ સાદતની તસવીરો શેર કરી છે અને જણાવ્યું છે કે તેઓ હવે જર્મનીમાં ફૂડ ડિલીવરીનું કામ કરી રહ્યા છે. ત્યારબાદ આ તસવીરો વિશ્વભરમાં વાઈરલ થઈ રહી છે. જર્મન મીડિયાના અહેવાલો અનુસાર, સાદત જર્મનીના લીફ્રાંદો નેટવર્ક માટે કામ કરી રહ્યા છે અને તેઓ જર્મનીના લિપજિગ શહેરમાં સાઈકલ ઉપર ફરીને ફૂડ ડિલીવરી કરી રહ્યા છે.

જોકે, તેમણે ગયા વર્ષે જ અફઘાન સરકારની કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું હતું. તેઓ વર્ષ ૨૦૧૮ થી કેબિનેટ મંત્રી હતા પરંતુ ઘની સરકારમાં મનમેળ ન હોવાથી વર્ષ ૨૦૨૦ માં તેમણે રાજીનામુ ધરી દીધું હતું. આ પહેલાં તેમણે વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૩ સુધી અફઘાનિસ્તાનમાં આઈટી મંત્રીના મુખ્ય તકનિકી સલાહકાર સહિત અનેક મહત્વના પદો ઉપર કામ કર્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, 'હાલમાં હું બહુ સરળ જીવન જીવી રહ્યો છું. જર્મનીમાં હું સુરક્ષિત છું અને પરિવાર સાથે ખુશીથી રહું છું. હું પૈસા બચાવીને જર્મન કોર્સ કરી આગળ અભ્યાસ કરવા માગું છું.' તેમણે કહ્યું, 'મેં ઘણી નોકરીઓ માટે આવેદન કર્યું પરંતુ ક્યાંયથી સારો જવાબ મળ્યો નહીં. મારું સપનું છે કે હું જર્મન ટેલિકોમ કંપનીમાં કામ કરું.'

સદાતે ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી ઇલેક્ટ્રોનિક એન્જીનીયરીંગ અને કોમ્યુનિકેશનમાં બે માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે ૧૩ દેશોમાં ૨૦ થી વધુ ક્ષેત્રોમાં કામ કર્યું છે અને ૨૩ વર્ષનો આ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top