આદિવાસીઓને શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે આર્થિક સહાય અપાશે : રાજ્ય સરકારની જાહેરાત

આદિવાસીઓને શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે આર્થિક સહાય અપાશે : રાજ્ય સરકારની જાહેરાત

10/16/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આદિવાસીઓને શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે આર્થિક સહાય અપાશે : રાજ્ય સરકારની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત સરકારે ગઈકાલે દશેરાના દિવસે અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્યના આદિવાસી વિસ્તારના શ્રદ્ધાળુઓને અયોધ્યામાં નિર્માણ પામતા પ્રભુ શ્રીરામના મંદિરના દર્શન કરવા જવા માટે સરકાર 5 હજાર રૂપિયા સહાય આપશે. રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી.

ગઈકાલે વિજયાદશમી પર્વે ડાંગ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને સાંસદ ડૉ કે સી પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા તો રાવણ દહન પણ કરવામાં આવ્યું હતું.


ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી 'શબરી ધામ' ખાતેથી જાહેરાત પ્રવાસન મંત્રીએ શબરી ધામ ખાતેથી કરી હતી.

દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયાદશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થસ્થાનો ઉપર 'દશેરા મહોત્સવ'નું આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા તેમણે ભારત વર્ષની ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ, અને યુગ યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી, પ્રભુ શ્રીરામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચુક્યા છે તેમ જણાવ્યું હતુ.

નવ નવ દિવસની શક્તિ આરાધનાની મા જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનું સમાપન 'શબરી ધામ' ખાતે થઈ રહ્યું છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીએ 'સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેમ પણ ઉમેર્યું હતુ.

‘દશેરા મહોત્સવ’ના રાજ્ય કક્ષાના ‘શબરી ધામ’ ખાતેના કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિકરૂપ સોનગઢ (તાપી)નું ઢોલ નૃત્ય, છોટા ઉદેપુરનું દિવા નૃત્ય, સાગબારા (નર્મદા) નું હોલી નૃત્ય, અને ડાંગના ડાંગી નૃત્ય સહિત આદિવાસી નૃત્યએ પ્રેક્ષકોના મન ડોલાવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય સ્ટેજ ઉપરથી રજુ થયેલા આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ડાંગની પાવરીની સુરાવલીઓ વચ્ચે મંત્રીઓ, નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top