મંત્રીમંડળ વિસ્તરણ બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ : જાણો કોને કયું મંત્રાલય સોંપવામાં આવ્યું

મંત્રીમંડળ વિસ્તરણ બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ : જાણો કોને કયું મંત્રાલય સોંપવામાં આવ્યું

07/07/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

મંત્રીમંડળ વિસ્તરણ બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ : જાણો કોને કયું મંત્રાલય સોંપવામાં આવ્યું

નવી દિલ્હી: દેશમાં મંત્રીમંડળ વિસ્તાર અને નવા મંત્રીઓના શપથગ્રહણ બાદ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. જે અનુસાર, અશ્વિની વૈષ્ણવને રેલ્વે મંત્રાલય તેમજ આઈટી મંત્રાલય જેવા બે મહત્વના ખાતા સોંપવામાં આવ્યા છે. જ્યારે પિયુષ ગોયલ પાસેથી રેલવે મંત્રાલય લઇ તેમને કાપડ મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

સરકારે નવા બનાવેલા મંત્રાલય ‘સહકારિતા મંત્રાલય’ નો ચાર્જ ગૃહમંત્રી અમિત શાહ પાસે રહેશે. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વડાપ્રધાન મોદી પોતાની પાસે જ રાખશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળવિકાસ મંત્રાલયનો કારભાર સોંપવામાં આવ્યો છે. આ પહેલા તેઓ ટેક્સટાઇલ મંત્રી હતા, જેનો ચાર્જ હવે પિયુષ ગોયલને સોંપવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાનીના મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે મહેન્દ્ર મુંજપરા ફરજ બજાવશે.

દર્શના જરદોશને ટેક્સટાઈલ, રેલવે મંત્રાલયના રાજ્યમંત્રી બનાવાયા

સુરતના સાંસદ દર્શના જરદોશને ટેક્સટાઈલ મંત્રાલયના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવે મંત્રાલયના રાજ્યમંત્રીનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો છે.

માંડવિયા સ્વાસ્થ્ય મંત્રી, રૂપાલાને ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય

દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે મંત્રીપદેથી રાજીનામુ આપ્યા બાદ આખા દેશની નજર આ પદ ઉપર હતી. ગુજરાતના સાંસદ મનસુખભાઈ માંડવિયાને દેશના સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ આ પહેલા કેમિકલ અને ફર્ટીલાઈઝર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) હતા. જેને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડી દેવામાં આવ્યું છે જેથી તેનો ચાર્જ પણ માંડવિયા પાસે જ રહેશે. તેમની મંત્રાલયમાં કામગીરી જોઇને સરકારે પદોન્નતિ આપી છે. ગુજરાતના સાસંદ પુરુષોત્તમ રૂપાલાને ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેઓ આ પહેલા રાજ્યકક્ષાના કૃષિ મંત્રી હતા.

સિંધિયા ઉડ્ડયન મંત્રી બન્યા

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉડ્ડયન મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમના પિતા માધવરાવ સિંધિયા પણ આ જ મંત્રાલયનો કાર્યભાર સંભાળી ચુક્યા હતા. જોકે, તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. સિંધિયાએ મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર ભંગ કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો, સરકારે હવે તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણમંત્રી

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પણ આજે મંત્રીમંડળ વિસ્તાર પહેલા રાજીનામુ આપી દીધું હતું. શિક્ષણ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાનને સોંપવામાં આવ્યું છે. તેઓ આ પહેલા પેટ્રોલિયમ મંત્રી હતા. જેનો ચાર્જ સિવિલ એવિએશન મંત્રી હરદીપસિંહ પૂરીને સોંપાયો છે. હરદીપસિંહ પૂરીને શહેરી વિકાસ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે.

અનુરાગ ઠાકુરને સૂચના પ્રસારણ, યુવા અને રમતગમત મંત્રાલય,

મોદી સરકાર ૨.૦ માં વિત્ત રાજ્યમંત્રી રહેલા અનુરાગ ઠાકુરને બઢતી આપીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ હવે સૂચના અને માહિતી પ્રસારણ મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા પ્રકાશ જાવડેકર આ મંત્રાલય સંભાળતા હતા, જેમને મંત્રીમંડળમાંથી આજે સવારે હટાવી લેવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરને યુવા અને રમત મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. તેઓ આ પહેલા બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચુક્યા છે, જેને લઈને આ મંત્રાલય સોંપવામાં આવ્યું હોય શકે.

કિરણ રીજીજુ કાયદો-વ્યવસ્થા મંત્રી

જ્યારે આ પહેલા ખેલમંત્રી રહી ચુકેલા કિરણ રીજીજુને કાયદો અને વ્યવસ્થા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી રહી ચુકેલા જી. કિશન રેડ્ડીને પ્રવાસન મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે. સંસ્કૃતિ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે મિનાક્ષી લેખીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ભુપેન્દ્ર યાદવ શ્રમ મંત્રી

ભાજપ મહાસચિવ ભુપેન્દ્ર યાદવને શ્રમ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ પર્યાવરણ મંત્રીની જવાબદારી પણ સંભાળશે. ગીરીરાજસિંહ ગ્રામિણ વિકાસ મંત્રી બન્યા છે. જયારે પશુપતિ પારસને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય મળ્યું છે. આસામના પૂર્વ સીએમ સર્બાનંદ સોનાવાલને આયુષ મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top