સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થયા, હરિભક્તો શોકમગ્ન

સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થયા, હરિભક્તો શોકમગ્ન

07/27/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થયા, હરિભક્તો શોકમગ્ન

વડોદરા: વડોદરા નજીક આવેલા સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી (HH Hariprasad Swami) સોમવારે મોડી રાત્રે અક્ષરધામ નિવાસી થયા છે. ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. સોમવારે રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે તેમણે દેહ છોડ્યો હતો. 

સોમવારે સાંજે તેમની તબિયત વધુ બગડતા બરોડાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી પરંતુ ટૂંકી સારવાર બાદ રાત્રે 11 વાગ્યે તેઓ અક્ષરનિવાસી થયા હતા. તેમના નિધન અંગે સોખડા સ્વામિનારાયણ મંદિર તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. તેમના નિધનથી દેશવિદેશમાં રહેતા તેમના હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે.

સોખડા સ્વામિનારાયણ ધામ યોગી ડિવાઈન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઈ દ્વારા અપાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,  યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.

1 ઓગસ્ટે અંતિમસંસ્કાર થશે, ત્યાં સુધી દર્શન  

સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થયા બાદ હવે આવતીકાલે 28 જુલાઈથી ૩૧ જુલાઈ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. આવતીકાલથી દરરોજ અલગ-અલગ પ્રદેશમાંથી આવતા ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ પહેલી ઓગસ્ટના રોજ બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવશે. અંતિમ દર્શન માટે આવનાર ભક્તોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તેમ જણાવવામાં આવ્યું છે તેમજ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવશે.

સંત હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934 માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. ગત 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88 મો પ્રાગટ્ય દિન ઉજવવામાં આવ્યો હતો. દેશવિદેશમાં તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ છે.

મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી

સ્વામીજીના નિધન બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિજયભાઈએ કહ્યું, ‘હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરનિવાસી થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.’ તેમણે કહ્યું, ‘સમગ્ર હિંદુ સમાજના આધ્યાત્મિક જગતને ‘દાસ ના દાસ’ એવા પૂજ્ય સ્વામીજીની ખોટ હંમેશા રહેશે. ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને સર્વે હરિભક્તોને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top