પંજાબ ચૂંટણી : કોણ હશે ‘આપ’નો સીએમ ઉમેદવાર? કેજરીવાલે નામ જાહેર કર્યું

પંજાબ ચૂંટણી : કોણ હશે ‘આપ’નો સીએમ ઉમેદવાર? કેજરીવાલે નામ જાહેર કર્યું

01/18/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

પંજાબ ચૂંટણી : કોણ હશે ‘આપ’નો સીએમ ઉમેદવાર? કેજરીવાલે નામ જાહેર કર્યું

પોલિટીકલ ડેસ્ક: આખરે આમ આદમી પાર્ટીએ પંજાબ રાજ્યમાં પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની અધિકારીક ઘોષણા કરી દીધી છે. હાલ ‘આપ’ના સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ નેતા ભગવંત માન પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. આજે પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આ મામલે જાહેરાત કરી હતી. 

કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે, પંજાબના 21 લાખથી વધુ લોકોએ પબ્લિક વોટિંગમાં પોતાનો મત આપ્યો હતો, જેમાંથી 93.3 ટકા લોકોએ ભગવંત માન પર પસંદગી ઉતારી હતી. તેમણે અન્ય પાર્ટીઓ ઉપર નિશાન સાધતા કહ્યું કે, બીજી પાર્ટીઓ પોતાના દીકરા કે વહુ કે ઘરના જ કોઈ વ્યક્તિને સીએમનો ચહેરો બનાવી દેતી હતી પરંતુ આમ આદમી પાર્ટીએ એવું કર્યું નથી. 


કેજરીવાલે ભગવંત માનને તેમના નાના ભાઈ ગણાવતા કહ્યું કે, ‘હું સીધું તેમનું નામ જાહેર કરી દેત તો લોકોએ ભાઈ-ભત્રીજાવાદનો આરોપ  લગાવ્યો હોત અને લોકો કહેતા થઇ ગયા હોત કે કેજરીવાલે તેમના ભાઈને ઉમેદવાર બનાવી દીધા. તેથી જ આ નિર્ણય પબ્લિક વોટિંગ થકી લેવામાં આવ્યો છે. 

કેજરીવાલે એમ પણ કહ્યું કે, ઘણા લોકોએ તેમને સીએમ બનવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ તેઓ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પોતે પંજાબના સીએમ ઉમેદવાર હશે નહીં. આ પહેલા ચર્ચા એવી પણ હતી કે દિલ્હીનું સીએમ પદ મનિષ સિસોદિયાને સોંપીને કેજરીવાલ પંજાબ જઈ શકે છે. જોકે, આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. 


આમ આદમી પાર્ટીએ કરેલા સર્વેમાં 93.3 ટકા લોકોએ ભગવંત માન પર પસંદગી ઉતારી તો આશ્ચર્યજનક રીતે બીજા ક્રમે એવા વ્યક્તિને સીએમ બનાવવાની માગ થઇ જે ‘આપ’ના સભ્ય જ નથી. તે વ્યક્તિ છે- નવજોતસિંઘ સિદ્ધુ. તેમને 3.6 ટકા લોકોના મત મળ્યા હતા. સિદ્ધુ હાલ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ છે. 

પંજાબમાં 20 મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. આ પહેલા ચૂંટણી 14 ફેબ્રુઆરીના રોજ થનાર હતી પરંતુ રવિદાસ જયંતીના કારણે તારીખ એક અઠવાડિયા જેટલી પાછળ ઠેલવામાં આવી છે. ચૂંટણી પંચે ગઈકાલે આ મામલે અધિકારીક એલાન કર્યું હતું. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top