વિકસિત ભારતનું એક એવું રાજ્ય જ્યાં હજુ સુધી એક પણ ટ્રેન નથી પહોંચી, રેલ્વે નેટવર્ક જ નથી..!? જાણો રસપ્રદ વાત
વિકાસના પથ પર સતત અગ્રેસર થઇ રહેલા આપણા ભારત દેશમાં દરેક શહેરોના પોતાના એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો છે. ઉપરાંત વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેટલાક શહેરોમાં એક કે બે નહીં પણ 12 થી 13 રેલવે સ્ટેશન આવેલા છે. અને તેમાંય આપણા દેશની આર્થિક રાજધાની માનતા મુંબઇને તો સિટી ઓફ રેલવે સ્ટેશન જ કહેવામાં આવે છે. કેમકે દેશમાં સૌથી વધારે રેલ્વે સ્ટેશનો આ એક જ શહેરમાં આવેલા છે.
ભારત વિશ્વમાં અમેરિકા, ચીન અને રશિયા પછી ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક ધરાવતો દેશ છે. અહીં દરરોજ લગભગ 2.5 કરોડ જેટલા મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ત્યારે આ જ ભારતમાં એક એવું રાજ્ય પણ છે જ્યાં આજ સુધી કોઈ ટ્રેન નથી પહોંચી, કારણ કે અહીંયા ન તો કોઈ રેલવે ટ્રેક કે ન તો કોઈ રેલવે સ્ટેશન છે. આ રાજ્ય છે ભારતની નોર્થ-ઈસ્ટમાં આવેલ સિક્કિમ રાજ્ય.
સિક્કિમ રાજ્યમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ એક પણ રેલ્વે સ્ટેશન નથી. અહીં સુધી એક પણ રેલ્વે લાઈન નથી પહોંચાડવામાં આવી. આ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આજ સુધી રેલ્વે નેટવર્ક પહોંચ્યું નથી. આમ તો દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિક્કિમ પહોંચે છે. તેથી હવે તેને ધ્યાનમાં રાખીને હાલ સિક્કિમમાં રેલ્વે લાઇન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. એટલે જો હાલમાં સિક્કિમ જવું હોય તો બાય રોડ જવું પડે અથવા બાય એર પણ જઈ શકાય. હવાઈ સેવા ઑક્ટોબર 2018માં ત્યાં શરૂ કરાઈ છે. જો કે ઓગસ્ટ 2025 સુધીમાં ત્યાં રેલવે સેવાઓ પણ શરૂ થઈ શકે છે.
આ ઉપરાંત આપના દેશમાં એક એવું રાજ્ય પણ છે જ્યાં આશરે 11 લાખની વસ્તી વચ્ચે ફક્ત એક જ રેલવે સ્ટેશન છે. રસપ્રદ વાત એ છે આ રાજ્યની આગળ દેશની સરહદ પૂરી થઈ જાય છે, એટલે આ સ્ટેશનને દેશનું છેલ્લું રેલવે સ્ટેશન પણ કહેવામાં આવે છે. મિઝોરમ રાજ્યમાં આવેલા આ સ્ટેશનનું નામ છે બૈરાબી રેલ્વે સ્ટેશન. અહીં 4 રેલવે ટ્રેક અને 3 પ્લેટફોર્મ છે. નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં આવેલ મિઝોરમના લોકો આ સ્ટેશન દ્વારા જ દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp