વધુ એક કોંગી નેતાએ પાર્ટી છોડી : જીગ્નેશ મેવાણી માટે બેઠક ખાલી કરનાર પૂર્વ ધારાસભ્યનું રાજીનામુ

વધુ એક કોંગી નેતાએ પાર્ટી છોડી : જીગ્નેશ મેવાણી માટે બેઠક ખાલી કરનાર પૂર્વ ધારાસભ્યનું રાજીનામુ

11/27/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

વધુ એક કોંગી નેતાએ પાર્ટી છોડી : જીગ્નેશ મેવાણી માટે બેઠક ખાલી કરનાર પૂર્વ ધારાસભ્યનું રાજીનામુ

વડગામ: વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષનો સમય છે પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. હવે વડગામ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ રાજીનામુ ધરી દીધું છે. 

મણીભાઈ વાઘેલાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પાર્ટી પર સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરી કહેવાતા દલિત નેતાઓને પ્રોત્સાહન આપી પક્ષમાં પ્રવેશ આપીને ગુજરાતના જૂના પીઢ નેતાઓનું સ્વમાન હણાય તેવા પ્રયત્નો કરવાના આરોપ લગાવ્યા છે. તેમણે પાર્ટીના સક્રિય કાર્યકર પદેથી અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. 


પત્રમાં શું કહ્યું?

પત્રમાં શું કહ્યું?

પત્રમાં તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 30 થી 40 વર્ષોથી પાર્ટીમાં કાર્યરત છે અને તાલુકા, જિલ્લા પંચાયતના અલગ-અલગ હોદ્દાઓ ઉપર સેવા આપી છે તેમજ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના કેબિનેટ મંત્રીને હરાવીને જીત મેળવી હતી. તેમણે કહ્યું કે, સત્તાધારી પાર્ટી દ્વારા અનેક પ્રલોભનો આપવામાં આવ્યા છતાં અમે અડીખમ રહ્યા હતા.


તેમના કહેવા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હી બોલાવીને વડગામ બેઠક માટે પક્ષનો મેન્ડેટ આપવાનું વચન આપ્યું હતું પરંતુ 2017 ની ચૂંટણીમાં પાર્ટીએ એ વચન પાળ્યું ન હતું અને તેમને બેઠક ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં નોંધવું જોઈએ કે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ વડગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભો ન રાખી તેમને બહારથી સમર્થન પૂરું પાડ્યું હતું. આ બેઠક મણીભાઇ વાઘેલાએ ખાલી કરી હતી. 


પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની અણઆવડત પણ જવાબદાર ઠેરવી

જોકે, તેમણે નામ લીધા વગર કહ્યું કે, ભડકાઉ ભાષણ આપીને દલિત નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા મારામાં પણ છે પરંતુ મારી વિચારધારા પ્રમાણે પાર્ટી કોઈ કોમ કે જાતિની હોય શકે નહીં. ઉપરાંત તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અનઆવડત અને અપરિપક્વ નિર્ણયો અને હાલની પાર્ટીની નીતિ, વિચારધારા અને નાના કાર્યકરોની ઉપેક્ષાને પગલે તેમણે પાર્ટી છોડવાની ફરજ પડી છે. 

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે રાજીનામુ આપી દીધા બાદ ચર્ચા શરૂ થઇ ગઈ છે કે શું તેઓ ભાજપમાં જોડાશે? જોકે, આ અંગે હજુ કોઈ જાણકારી મળી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top