જાણો આસામ અને મિઝોરમ વચ્ચે શું છે વિવાદ, જેના કારણે 6 પોલીસકર્મીઓના જીવ ગયા

જાણો આસામ અને મિઝોરમ વચ્ચે શું છે વિવાદ, જેના કારણે 6 પોલીસકર્મીઓના જીવ ગયા

07/27/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

જાણો આસામ અને મિઝોરમ વચ્ચે શું છે વિવાદ, જેના કારણે 6 પોલીસકર્મીઓના જીવ ગયા

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વના બે રાજ્યો આસામ (Assam) અને મિઝોરમ (Mizoram) વચ્ચે ફરી વિવાદ શરૂ થયો છે. ગઈકાલે સાંજે આસામ-મિઝોરમ સરહદ પર ગોળીબારમાં આસામમાં ૬ પોલીસ જવાનો શહીદ થઇ ગયા હતા. આ અંગે બંને રાજ્યોના સીએમ ટ્વીટર ઉપર આમનેસામને આવી ગયા હતા અને ગૃહમંત્રીને ટેગ કરીને ટ્વીટ-રિ ટ્વીટ પણ કર્યા હતા.

ભારતના જ બે રાજ્યો વચ્ચે આ પ્રકારના વિવાદ અને હિંસાને લઈને લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. એ પણ એવા બે રાજ્યો કે જ્યાં એનડીએની સરકાર હોય. આસામમાં ભાજપ બહુમતીવાળી સરકાર છે જ્યારે મિઝોરમમાં ભાજપ ગઠબંધન વાળી સરકાર છે.

વર્ષોથી ચાલે છે સંઘર્ષ

આસામ અને મિઝોરમ વચ્ચે આ પહેલા પણ આ પ્રકારના સંઘર્ષ થઇ ચુક્યા છે. ઓક્ટોબર 2020 માં મિઝોરમ અને આસામના લોકો વચ્ચે સંઘર્ષની ઘટનાઓ સામે આવી હતી, આ દરમિયાન પણ 8 લોકો ઘાયલ થયા હતા અને અનેક દુકાનો અને ઘરો, ઝુંપડીઓને સળગાવી દેવામાં આવ્યા હતા.

મિઝોરમ આસામમાંથી જ અલગ થઈને રાજ્ય બન્યું હતું. ત્યારથી આ બંને રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મેદાનનો ભાગ જ્યાં છે ત્યાં આસામ છે અને જ્યાંથી પર્વતો શરૂ થાય ત્યાંથી રાજ્યો વચ્ચેની સરહદ છે. પરંતુ જે સરહદ નકશા ઉપર દેખાય છે તેને લઈને સહમતિ બની શકી નથી. નકશા ઉપર સહમતિ બની છે પરંતુ આ નકશાની સરહદ જમીન ઉપર ક્યાંથી પસાર થાય છે તેને લઈને સતત વિવાદ ચાલતો રહે છે. આસામના કછાર અને હાઈલાકાંડી જિલ્લાઓમાં મિઝોરમની સરહદ લાગે છે. આ જમીનને લઈને વિવાદ ચાલે છે.

આસામના કછાર જિલ્લામાં આવેલ લૈલાપુર ગામ સાથે મિઝોરમના કોલાસિબ જિલ્લાના વૈરેંગટે ગામની સરહદ આવેલી છે. ઓક્ટોબરમાં આ જ બે ગામના લોકો વચ્ચે વિવાદ થયો હતો. 9 ઓક્ટોબરના રોજ મિઝોરમના એક ખેડૂતની સોપારીની ખેતી અને ઝૂંપડીઓ સળગાવી દેવામાં આવ્યા હતા તો બીજી તરફ કછાર જિલ્લાના લોકો મિઝોરમના પોલીસકર્મીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો.

ઓક્ટોબરમાં કેમ વિવાદ થયો હતો?

આસામ અને મિઝોરમની સરકારો વચ્ચે વર્ષો પહેલા એક કરાર થયો હતો. જેમાં સહમતિ બની હતી કે મિઝોરમ અને આસામ વચ્ચેની જમીન પર યથાસ્થિતિ બની રહે. પરંતુ લૈલાપુરના લોકો પર આરોપ છે કે તેમણે આ જમીન કરારના નિયમોનું ઉલ્લંઘન કરીને તેની ઉપર નિર્માણ કાર્ય શરૂ કરી દીધા હતા. તેમણે કેટલીક ઝૂંપડીઓ બનાવી, જોકે તે અસ્થાયી જ હતી પરંતુ મિઝોરમના લોકો ગુસ્સે ભરાયા અને ત્યાં જઈને આગચંપી કરી દીધી અને ધીંગાણું કર્યું હતું.

બીજી તરફ, આસામ તરફથી દાવો કરવામાં આવે છે કે આ જમીન આસામની જ છે, જ્યારે મિઝોરમ તરફથી કહેવામાં આવે છે કે આસામ જે જમીન ઉપર દાવો કરે છે ત્યાં વર્ષોથી મિઝોરમના લોકો ખેતી કરતા આવ્યા છે. આ અંગે બંને પક્ષે પ્રશાસન અને પોલીસનું સમર્થન મળતું રહે છે. અવારનવાર એક રાજ્ય વિવાદિત જમીન ઉપર પોતાનો હક હોવાનું કહી બીજા પક્ષના લોકો પાસેથી જમીન ખાલી કરાવતું રહે છે.

ગઈકાલની ઘટના પાછળ પણ આ જ વિવાદ કારણભૂત  

ગઈકાલે લૈલાપુર-વૈરેંગટે સરહદ ઉપર જે ઘટના ઘટી તે પણ આ જ વિવાદને કારણે બની હતી. જે વિસ્તારને લઈને ૨૬ જુલાઈએ ગોળીબાર થયો તેને આસામ પોતાના રેકોર્ડમાં બતાવે છે. પરંતુ અહીં વર્ષોથી મિઝો જનજાતિના લોકો ખેતી કરી રહ્યા છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે આસામ પોલીસે પોતાનો વિસ્તાર ખાલી કરાવવા માટે કેટલાક લોકોને ત્યાંથી ભગાડી મુક્યા હતા. ગત 10 જુલાઈના રોજ સરહદ પર ગયેલી આસામ સરકારની એક ટીમ ઉપર આઈઈડી પણ ફેંકવામાં આવ્યો હતો.

આસામ તરફથી કહેવામાં આવું કે 10 જુલાઈએ સંઘર્ષ થયો ત્યારે મિઝો પક્ષના લોકો આસામની સરહદમાં સાડા છ કિલોમીટર સુધી આવી ગયા હતા. ભીડ ખુલીચેરા સ્થિત CRPF કેમ્પથી પણ આગળ આવી ગઈ હતી. જ્યારે મિઝો લોકો પરત ન ફર્યા તો આસામ તરફથી હળવો બળ પ્રયોગ કરવામાં આવ્યો.

26 જુલાઈના રોજ મિઝોરમના મુખ્યમંત્રી ઝોરમથંગાએ એક વિડીયો ટ્વીટ કર્યો. જેમાં એક કારમાં જઈ રહેલા દંપતીની કારના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. તેમણે આસામ પોલીસને ટેગ કરીને સવાલ કર્યો કે કછારના રસ્તે મિઝોરમ પરત ફરી રહેલા નિર્દોષ દંપતી સાથે તોડફોડ કરવામાં આવી.

ત્યારબાદ આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે, કોલાસિબ એસપી કહી રહ્યા છે કે જ્યાં સુધી આસામ પોલીસ પોસ્ટ ખાલી નહીં કરે ત્યાં સુધી તેમની તરફના લોકો ન તો હિંસા રોકશે ન કોઈનું સાંભળશે. આવા સંજોગોમાં સરકાર કઈ રીતે કામ કરી શકે? આ સાથે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અને પીએમઓને ટેગ કરી હસ્તક્ષેપ કરવા કહ્યું હતું.

આ બંને મુખ્યમંત્રીઓના ટ્વીટર યુદ્ધ વચ્ચે ગઈકાલે સાંજે ખબર આવી કે કછાર જિલ્લામાં આસામ-મિઝોરમ સરહદ ઉપર બંને પક્ષોની પોલીસ વચ્ચે ગોળીબાર થયો અને જેમાં આસામ પોલીસના છ જવાનો શહીદ થઇ ગયા અને બંને તરફથી ઘણા જવાનો ઘાયલ પણ થયા છે. કછારના લોકોનું કહેવું છે કે પોલીસના જવાનો સહિત લગભગ ૬૫ લોકો ઘાતલ છે જેમાંથી 40 ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top