પુલવામાનાં શહીદો માટે દેશભરમાંથી અંજલિઓની વર્ષા થઇ રહી છે. ૧૪ ફેબ્રુઆરી આખી દુનિયામાં ભલે પ્રેમના તહેવાર તરીકે ઉજવાતો હોય, પણ ભારતીયો આ દિવસે આતંકીઓની નફરતને પણ યાદ કરી લે છે. ૧૪ ફેબ્રુઆરીને દિવસે જ એક આતંકવાદી હુમલામાં દેશના ૪૦ જવાનોનો ભોગ લેવાયો હતો. એ પછી ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરીને પોતાના જવાનોના મૃત્યુનો બદલો તો લઇ લીધો, પણ ભારતીય લોકો દર વર્ષે આજના દિવસે પોતાના એ લાડલાઓને યથાશક્તિ-યથામતિ અંજલિ આપતા રહે છે. સુરતમાં પણ 'ગ્રીનમેન' તરીકે પ્રખ્યાત થયેલા એક યુવા ઉદ્યોગસાહસિકે સાવ અનોખી રીતે જવાનોને શ્રધ્ધાંજલિ આપી છે. આ બાબતે જો આખો દેશ આ 'ગ્રીનમેન'ને અનુસરે તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં પણ કંઈક અંશે રાહત મળી જાય!
સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર પુલવામા હુમલાની વર્ષીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ પુલવામા શહીદોના માનમાં રોપાયેલા ચાળીસ તોતિંગ વૃક્ષોની સામે શહીદોના નામની તકતીઓનું અનાવરણ થયું હતું. અહીં ખુબીની વાત એ છે કે આ તમામ વૃક્ષો પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ તરીકે જ રોપવામાં આવેલા, જે આજે 'ટ્રી ટ્રેઈલ' તરીકે ઉધના સ્ટેશને અડીખમ ઉભા છે. જો દેશના દરેક રેલ્વે સ્ટેશન્સ પર આ રીતે વૃક્ષારોપણ કરાય, તો એ વૃક્ષો શહીદોની વિશિષ્ટ સમાધિ તો બની જ રહે, સાથે જ દેશના અનેક રેલ્વે સ્ટેશનો પર હરિયાળી ક્રાંતિ આવી જાય.
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને ક્લાયમેટ એક્શન અને ઈકો સિસ્ટમની થીમ પર દેશ, એશિયા અને દુનિયાનું પ્રથમ મોડેલ સ્ટેશન તરીકે વિકસાવ્યું છે. પર્યાવરણની થીમ પર તૈયાર થયેલા આ મોડેલ સ્ટેશનનું તમામ કાર્ય ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પુલવામા શહીદોને સમર્પિત કરાયું હતું, જેથી ઉધના સ્ટેશન પર પુલવામા વર્ષીએ દર વર્ષે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
આ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું, "આઝાદી કા અમૃત મહોત્સવના સંદર્ભે આ વર્ષથી અમે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ મુવમેન્ટ ચલાવી હતી, જે ચળવળના ભાગરૂપે આ વર્ષથી અમે ‘પર્યાવરણ સેનાની સન્માન’ની શરૂઆત કરી છે. દેશના સૈનિકો જે રીતે સરહદ પર આપણી રક્ષા કરે છે એ રીતે આપણે પણ હવે પર્યાવરણ સેનાની બનીને દેશના લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવી પડશે. એ કારણે જ આ વર્ષથી અમે ‘પર્યાવરણ સેનાનીઓને સન્માનિત કરવાનો ચીલો ચાતર્યો છે." આ નિમિત્તે પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરનારી વિશિષ્ટ હસ્તીઓને ‘પર્યાવરણ સેનાની સન્માન’થી સન્માનિત પણ કરાઈ હતી.
શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં શરૂ થયેલ ચળવળ 'પર્યાવરણ સેનાની સન્માન’ હેઠળ હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશનના સભ્યો અને ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચાર ગ્રુપ્સ, જેમને ગ્રાઉન્ડ લેવલ પર પર્યાવરણને બચાવવા મહાજહેમત ઉઠાવી હોય, અને હજારોની સંખ્યામાં વૃક્ષો વાવી તેનું જતન કર્યું હોય, એવા પર્યાવરણ સેનાનીઓનું સમ્માન કરવામાં આવ્યું.
જેમાં પ્રથમ સમ્માન સમાજ અને પર્યાવરણ માટે સતત કાર્યરત રહેતા છાંયડો સંસ્થાના ચેરમેન ભરતભાઈ શાહને અપાયું હતું.
બીજું સૌથી મહત્વનું સમ્માન પારનેરા ક્ષેત્રના યુવાનોના "ગો ગ્રીન" ગ્રુપને આપવામાં આવ્યું, જેમણે પારનેરા ડુંગરની આજુબાજુના વિસ્તારમાં ૩૦૦૦થી વધુ વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી ઉઠાવી. તેમજ આગળ પણ વધુને વધુ વૃક્ષો વાવી એ વિસ્તારને પર્યાવરણથી સમૃદ્ધ બનાવવાના સોંગદ લીધા.
ત્રીજું સમ્માન એમ.એસ. યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. બિન્દુ ભટ્ટ અને તેમના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું, જેમણે 'ભૂમિ ફેસ્ટીવલ' જેવી પર્યાવરણને લગતી ઇવેન્ટની શરૂઆત યુનિવર્સિટી જેવા માધ્યમથી કરી.
તેમજ જાણીતા વનસ્પતિશાસ્ત્રી ડૉ. મીનુ પરબીયા ને પણ 'પર્યાવરણ સેનાની' તરીકે સમ્માનિત કરાયા. ડીએફઓ પુનીત નૈયર અને સુરત શહેરના પૂર્વ મેયર ગીતાબેન દેસાઈ ને પણ વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉધના સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવ્યું છે, જ્યાં ચાળીસ જવાનોના માનમાં ચાળીસ મોટા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તો અહીં શહીદોના માનમાં ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ‘શહીદ સ્મૃતિ વન’ નામનું એ ફોરેસ્ટ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયું છે.