મોદી સરકારે પ્રથમ વખત પારોઠના પગલા ભરવા પડ્યા, પણ કેમ? જાણો કારણ

મોદી સરકારે પ્રથમ વખત પારોઠના પગલા ભરવા પડ્યા, પણ કેમ? જાણો કારણ

11/19/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકારે પ્રથમ વખત પારોઠના પગલા ભરવા પડ્યા, પણ કેમ? જાણો કારણ

પોલિટીકસ ડેસ્ક: આજે સવારથી આખો દેશ એ મુદ્દે ચર્ચા કરી રહ્યો છે એ અપેક્ષિત ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આખા દેશના આશ્ચર્યની વચ્ચે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચી લેવામાં આવશે. આ કાયદાઓનો છેલ્લા લગભગ એક વર્ષથી કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આખરે સરકારે તેમની સામે ઘૂંટણીયે પડીને કાયદાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

સંસદના આગામી સત્રમાં કાયદાઓને રદ કરવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે અને ત્યારબાદ અધિકારીક રીતે કાયદાઓ રદ થઇ જશે. જોકે, ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે જ્યાં સુધી સંસદ કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

પીએમ મોદીની આ કાયદાઓ રદ કરવાની જાહેરાત બાદ મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂત સંગઠનો દ્વારા તેમની જીત કહીને આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે, બીજી તરફ સરકાર સમર્થકોમાં પીછેહઠને લઈને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે. 

હાલ એ મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે કે આખરે સરકારે આ પીછેહઠ કેમ કરવી પડી? આ પહેલા કેન્દ્ર સરકારે સીએએ વખતે આવા જ આંદોલનનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કાયદા રદ કરવા સુધી વાત પહોંચી ન હતી. તોફાનો, રમખાણો સહન કરીને પણ સરકાર કાયદાઓ રદ ન કરવા પર અડગ રહી હતી. પરંતુ આ વખતે સરકારે આખરે એક વર્ષ બાદ ખેડૂતો સામે હાર માની લીધી છે. 


સરકારની બની ગયેલી ખેડૂત વિરોધી છબી

સરકારની બની ગયેલી ખેડૂત વિરોધી છબી

કૃષિ કાયદાઓ પસાર થયા ત્યારથી જ વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂત સંગઠનોએ કાયદાઓનો વિરોધ તેમજ સરકારની ખેડૂત વિરોધી છબી અંગેનો પ્રચાર શરૂ કર્યો હતો. જે કેટલેક અંશે સફળ પણ થયો. સરકારની બની ગયેલી આ કથિત ખેડૂત વિરોધી છબી તેઓ સુધારી શક્યા નહીં. તેમજ અનેક પ્રત્યનો છતાં પણ આંદોલનકારી ખેડૂતો સાથે પણ કોઈ સમાધાન થઇ શક્યું નહીં.

બીજી તરફ, મોંઘવારી અને અન્ય મુદ્દાઓના કારણે સરકાર પહેલેથી જ ટીકાનો સામનો કરી રહી હતી. જેના કારણે આગામી ચૂંટણીઓમાં સરકાર આ છબી સાથે મેદાનમાં ઉતરે તો ચોક્કસપણે અસર થાય તેવી સંભાવનાઓ હતી. એ પણ કારણ હોય શકે કે સરકારે કાયદાઓ અંગે આવો મોટો નિર્ણય લીધો હોય. કારણ કે સત્તા એ કોઈ પણ રાજનીતિક પક્ષ માટે પ્રાથમિકતા રહે છે. 


યુપી, પંજાબના બદલાતા રાજનીતિક સમીકરણોની ચિંતા?

પંજાબ અને ઉત્તર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાંથી કૃષિ કાયદાઓનો વિરોધ કરતા સંગઠનો વધુ પ્રમાણમાં છે. વધુ મહત્વની વાત એ છે કે આ રાજ્યોમાં આગામી વર્ષે ચૂંટણી આવી રહી છે. રાજનીતિક રીતે મહત્વના ગણાતા બંને રાજ્યોમાં સત્તા ટકાવી રાખવી કે મેળવવી કોઈ પણ પાર્ટી માટે અને ખાસ કરીને કેન્દ્રમાં સત્તા પર રહેલા પક્ષ માટે પ્રાથમિકતા હોવાની. 

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં આમ તો હાલ ભાજપનો હાથ ઉપર છે પરંતુ કૃષિ કાયદાઓ, ખેડૂત આંદોલન અને ખાસ કરીને લખીમપુર ખિરી કાંડના કારણે પાર્ટી બેકફૂટ પર આવી ગઈ હતી. 

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપ હંમેશા બહુમતીમાં રહી છે પરંતુ કૃષિ કાયદાઓએ પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો હતો. આ એ ક્ષત્ર છે જ્યાં ખેડૂત આંદોલનની અસર વધુ છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટી અને રાલોદએ સાથે મળીને આ માહોલનો ફાયદો ઉઠાવવાના ભરપૂર પ્રયાસો કર્યા. 

ચૂંટણીઓમાં રાજનીતિક ફાયદાની રીતે જોવામાં આવે તો સરકારનો આ નિર્ણય આંદોલનકારી ખેડૂતોની ઘરવાપસી કરાવશે અને રાજનીતિક સમીકરણો બદલી નાંખશે. જેના કારણે પાર્ટી હવે એવા ક્ષેત્રોમાં પણ વધુ આક્રમકતાથી પ્રચાર કરી શકશે. 


પંજાબની ચૂંટણીમાં પણ ભાજપ માટે ચિંતાનો વિષય હતો કૃષિ કાયદાઓ

વધુ એક રાજ્ય પંજાબમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય બની નથી. ઓછામાં પૂરું એક સમયે ભાજપનો સાથીદાર રહેલા શિરોમણી અકાલી દળે પણ કૃષિ કાયદાઓના વિરોધમાં જ NDA માંથી છેડો ફાડી દીધો હતો. સહયોગી પાર્ટીના સમર્થન વગર ચૂંટણી લડવી ભાજપ માટે મુશ્કેલ થઇ પડ્યું હોત. જ્યારે હવે કૃષિ કાયદાઓ મુદ્દે સમાધાન થતા અકાલી દળ અને ભાજપ ફરીથી સાથે આવે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં. અને જો તેમ થાય તો પંજાબ ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. 


કેપ્ટન અમરિંદર સિંઘ

કેપ્ટન અમરિંદર સિંઘ

પંજાબની ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘનો ઉલ્લેખ પણ જરૂરી બને છે. તેમણે હાલમાં જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. કેપ્ટન નવી પાર્ટી બનાવવાની ઘોષણા કરી ચુક્યા છે અને એમ પણ કહી દીધું છે કે તેઓ આગામી ચૂંટણીમાં ભાજપ સાથે મળીને કામ કરશે. પરંતુ આ સાથે તેમણે એ પણ શરત મૂકી હતી કે કેન્દ્ર કૃષિ કાયદાઓનું ખેડૂતોના હિતમાં સમાધાન કરે તો જ તેઓ આગળ વાત કરશે. 

કેપ્ટન અમરિંદર સિંઘ થોડા સમય પહેલા જ ગૃહમંત્રી અને વડાપ્રધાનને મળ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન આ કાયદાઓ અંગે ચર્ચા થઇ હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આ કાયદાઓ રદ થયા બાદ હવે એ રસ્તો પણ ખુલી ગયો છે. કેપ્ટન, ભાજપ અને અકાલી દળ સાથે રહીને ચૂંટણી લડે તો ત્રણેયને ફાયદો થઇ શકે છે. 


પેટાચૂંટણીમાં પાર્ટીનું નબળું પ્રદર્શન

માર્ચ-એપ્રિલમાં થયેલ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોનું આંદોલન મુદ્દો બન્યો હતો પરંતુ તેમાં ભાજપની હાર પાછળનું કારણ આંદોલન માનવામાં આવી રહ્યું ન હતું. પરંતુ ઓક્ટોબર-નવેમ્બરમાં થયેલ પેટાચૂંટણીઓના પરિણામો ભાજપ માટે સારા ન રહ્યા. હિમાચલ પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં ભાજપની પરંપરાગત બેઠકો પર પણ પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો. જોકે, તે પાછળ મોંઘવારી પણ એક મોટું કારણ હતું. 

મોંઘવારીના મુદ્દાને ખતમ કરવા માટે સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવો ઘટાડ્યા પરંતુ ખેડૂત આંદોલનના મુદ્દાને પણ પાર્ટી કે સરકાર નકારી શકે તેમ ન હતી. આખરે તેમાંથી પણ છૂટકારો મેળવવા માટે સરકારે કાયદાઓ રદ કરવા તરફ વિચાર કરવો પડ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top