ઉત્તર પ્રદેશ : ‘સપા’ અને ‘આપ’ વચ્ચે ગઠબંધન થશે? ભાજપને ભીડવવા માટે અખિલેશ-સંજયસિંહે હાથ મિલાવ્

ઉત્તર પ્રદેશ : ‘સપા’ અને ‘આપ’ વચ્ચે ગઠબંધન થશે? ભાજપને ભીડવવા માટે અખિલેશ-સંજયસિંહે હાથ મિલાવ્યા

11/25/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

ઉત્તર પ્રદેશ : ‘સપા’ અને ‘આપ’ વચ્ચે ગઠબંધન થશે? ભાજપને ભીડવવા માટે અખિલેશ-સંજયસિંહે હાથ મિલાવ્

લખનઉ: માર્ચ 2022 માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી જ શરૂ થઇ ગઈ છે. રાજનીતિક પાર્ટીઓ ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં લાગી ગઈ છે તો બીજી તરફ પ્રાદેશિક પક્ષોએ ગઠબંધન માટે કવાયત શરૂ કરી છે. 

યુપીમાં વર્ચસ્વ ધરાવતી સમાજવાદી પાર્ટી આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે તેવી અટકળો શરૂ થઇ ગઈ છે. તેનું કારણ એ છે કે ગઈકાલે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી સંજયસિંહ વચ્ચે મુલાકાત થઇ હતી. બંને વચ્ચે લગભગ એક કલાક બેઠક ચાલી હતી.


આ બેઠક બાદ અખિલેશ યાદવે રાત્રે તસવીર શેર કરીને ટ્વીટ કર્યું હતું, ‘એક મુલાકાત, બદલાવ માટે.’ જે બાદ રાજનીતિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ છે કે સપા હવે આમ આદમી પાર્ટી  સાથે પણ હાથ મિલાવશે.

બીજી તરફ, આપ નેતા સંજયસિંહે આ મુલાકાત અંગે મીડિયાને કહ્યું કે, ગઠબંધનની વાતચીત શરૂ થઇ ગઈ છે. પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. તેમણે કહ્યું કે કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો જાણકારી આપવામાં આવશે. તેમણે સંકેત આપતા કહ્યું કે, અમારા બધાની પ્રાથમિકતા તો ભાજપને હરાવવાની જ છે. બીજી તરફ, સપા નેતા સુનીલ સિંહ સાજને પણ કહ્યું કે, સમાજવાદી પાર્ટી તમામ નાના પક્ષોને સાથે લાવી રહી છે અને ભાજપને હરાવવા માટે તમામ નાની પાર્ટીઓ માટે દરવાજા ખુલ્લા છે. 


ચૂંટણીને લઈને શું છે અખિલેશ યાદવની યોજના?

અખિલેશ યાદવની નજર નાની પાર્ટીઓ પર છે. નાના પક્ષોનું એક ગઠબંધન બનાવીને અખિલેશ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. જે સંદર્ભે તેઓ જયંત ચૌધરીની એલઆરડી, ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, કેશવ દેવ મૌર્યના મહાન દળ, સંજય ચૌહાણની જનવાદી પાર્ટી અને અપના દળ સાથે ગઠબંધન કરી ચુક્યા છે. 

અખિલેશ યાદવ આગામી ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને મંગળવારે આરએલડી પ્રમુખ જયંત ચૌધરીને પણ મળ્યા હતા. હવે તેઓ આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન કરીને સાથે ચૂંટણી લડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. 

બીજી તરફ, માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. નોંધવું જોઈએ કે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી 2017 માં સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જોકે, તેમનું ગઠબંધન ખાસ કમાલ કરી શક્યું ન હતું અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top