સુરત જિલ્લાના ખેડૂતે મેળવી આશ્ચર્યજનક સિદ્ધિ : અનોખા તરબૂચનો અધધધ પાક

સુરત જિલ્લાના ખેડૂતે મેળવી આશ્ચર્યજનક સિદ્ધિ : અનોખા તરબૂચનો અધધધ પાક

03/23/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત જિલ્લાના ખેડૂતે મેળવી આશ્ચર્યજનક સિદ્ધિ : અનોખા તરબૂચનો અધધધ પાક

સુરત: લાલ તરબૂચ વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ સુરત જિલ્લામાં સંભવતઃ પ્રથમ વખત પાઈનેપલ મિશ્રિત સ્વાદ ધરાવતા પીળા તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે. સુરતના કામરેજ તાલુકાના ઘલા ગામના ૪૨ વર્ષીય યુવા ખેડુત પ્રવિણભાઈ વલ્લભભાઈ માંગુકિયાએ દેશી તરબૂચના સ્થાને તાઈવાનના રંગીન અને સ્વાદિષ્ટ તરબૂચ ઉગાડીને આધુનિક ખેતીને અનોખો આયામ આપ્યો છે. વિદેશી તરબૂચની ખેતી કરીને તેઓ આજુબાજુના ત્રણ ગામોના શ્રમિકોને રોજગારી પણ આપી રહ્યા છે.


ખેડૂત પ્રવિણભાઈ માંગુકિયાએ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઉનાળુ સિઝનમાં રંગબેરંગી અને રસીલા તાઈવાની તરબૂચનું વાવેતર કરીને જેકપોટ સમાન ઉત્પાદનનો અંદાજ સેવતા તા. 21મી માર્ચે પ્રથમ જ દિવસે જ 20 ટન તરબૂચનું ઉત્પાદન પણ મેળવી લીધું હતું. તેમણે વાવેતર કર્યાના માત્ર 90 દિવસ બાદ રૂ.21 લાખનું ઉત્પાદન થવાની સંભાવના વ્યકત કરી હતી. જે પૈકી રૂા. 7 લાખના દવા, મજૂરી તથા અન્ય ખર્ચને બાદ કરતા તેમને રૂ. 14 લાખનો ચોખ્ખો નફો થશે તેમ તેમણે કહ્યું હતું.

વિશેષ વાત એ છે કે તેમણે નવ એકર જમીનમાં મલ્ટીક્રોપનો પ્રયોગ કરતાં 4400 આંબાની કલમો પણ વાવી છે, અને વચ્ચેના ભાગમાં તરબૂચ ઉગાડ્યાં છે. આ ઉપરાંત તેમણે સોલર પાવર, ખેતતલાવડી અને ટપક પદ્ધતિથી સિંચાઈ સુવિધા ઊભી કરી છે. જેથી ભરઉનાળે સિંચાઈના પ્રશ્નનું કાયમી નિરાકરણ પણ મળ્યું છે. 


અતિઘનિષ્ઠ ફળપાક યોજના હેઠળ આંબા કલમો વાવવા સાથે અંદરથી લાલ અને બહારથી પીળા હોય એવી વિશાલા જાત અને બહારથી લીલા દેખાતા અને અંદરથી પીળા હોય એવી આરોહી જાતના ઓછા બીજવાળા અને અતિ સ્વાદિષ્ટ તાઈવાની તરબૂચની ખેતીનો આ વર્ષે પ્રયોગ કર્યો, જેમાં પ્રવિણભાઈને પ્રથમ પ્રયાસે જ સફળતા મળી છે. અધૂરામાં પૂરૂ કેન્દ્ર અને રાજ્ય સરકારની રૂા. 31 લાખની યોજનાકીય સબસિડી મળતાં તેઓને કૃષિમાં અવનવા પ્રયોગો કરવા માટે પાંખો મળી છે.


પ્રવિણભાઈના જણાવ્યા અનુસાર તરબૂચનું વાવેતર કર્યાના 75 દિવસ વીત્યા હોવાથી પાક તૈયાર થઈ ચૂકયો છે. હવે 75 થી 90 દિવસના સમયગાળામાં તરબૂચનું ઉત્પાદન થવાં લાગશે. જેથી આઠ એકરમાંથી અંદાજે 140 ટન જેટલા તાઈવાની તરબૂચ પાકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, 'નાન્યુ ઈન્ડિયા' મૂળ તાઈવાનની કંપની છે. તેના બીજમાંથી બનતા રોપા પૂનાથી ખરીદીને વાવેતર કર્યું છે. આ તરબૂચ સામાન્ય તરબૂચ કરતાં વધુ મોંઘા વેચાય છે. વિશાલા, આરોહી વેરાયટીની વધુ માંગ છે. ખાસ કરીને હોટેલોમાં આ તરબૂચની વધુ માંગ રહે છે. તેથી તે મોંઘા પણ છે. જે રૂ. 20 થી 30 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જેનું વજન 4 થી 5 કિલો રહે છે.


ખેડૂત પ્રવીણભાઈ કહે છે કે, ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિથી જ ખેતી કરી રહ્યો છું. તરબૂચના પાકને સતત પાણીની જરૂરિયાત રહેતી હોવાથી મેં મારા ખેતરમાં જ એક એકરમાં 6 મીટર ઊંડી વિશાળ ખેતતલાવડી બનાવી છે, જે 1.50 કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવે છે.

આમ, ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા-મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે. પ્રવિણભાઈ જેવા યુવા કિસાનો અથાગ મહેનત અને કોઠાસૂઝથી નફાકારક ખેતીને વધુ ઉચ્ચતા બક્ષી રહ્યાં છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top