Aryan Nehra: ઉત્તરાખંડમાં યોજાઈ રહેલી 38મી રાષ્ટ્રીય રમતોમાં ગુજરાતના તરણવીર આર્યન નેહરાને મોટી સફળતા મળી છે. દહેરાદૂનમાં ચાલી રહેલી રાષ્ટ્રીય રમતોમાં ગુજરાતના યુવા તરણવીર આર્યને એક જ ઓડિશનમાં 7 મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. આર્યન નેહરા હાલ શક્તિદૂત યોજના અંતર્ગત અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત કોચ એન્ટોની નેસ્ટીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેનિંગ લઇ રહ્યો છે.
ગુજરાતના 230 ખેલાડીઓ કુલ 25 રમતોમાં ભાગ લેશે. જેમાં સ્વિમિંગ, એથ્લેટિક્સ, બોક્સિંગ, કેનોઈ સ્લેલોમ, સાયકલિંગ, આર્ચરી, બેડમિન્ટન,ફેન્સિંગ, જિમ્નાસ્ટિક્સ, મલ્લખંમ, મોર્ડન પેન્ટાથલોન, નેટ બોલ, શૂટિંગ, સ્ક્વોશ, જુડો, ખો-ખો, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, વેઈટલિફ્ટિંગ, કુસ્તી, યોગાસન, વુશુ, તાઈકવૉન્ડો, ટ્રાયથ્લોન,નો સમાવેશ થાય છે. અત્યાર સુધી ગુજરાતને કુલ 12 મેડલ મેળી ચૂક્યા છે. જેમાં 1 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તેમાં 1 ગોલ્ડ મેડલ સાઈકલિંગ રમતમાં, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સ્વિમિંગ રમતમાં અને ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતે ૩ બ્રોન્ઝ મેડલ બેડમિન્ટન રમતમાં મેળવ્યા છે.
28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 સુધી દરમિયાન ઉત્તરાખંડમાં 38મી નેશનલ ગેમ્સનું આયોજન થયું છે. અત્યારે 38મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દ્વાની, હરિદ્વાર, ટનકપુર, પિથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલમાં આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ 290 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેવા ગયા છે. આમાં કુલ 230 ખેલાડી છે જેમાં 103 પુરુષ અને 127 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.