પ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીના પતિ બન્યા ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર

પ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીના પતિ બન્યા ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર

10/21/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીના પતિ બન્યા ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હવે શહેરના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની પસંદગી થઇ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરના નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર તેમજ ગુજરાતી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી રોમા માણેકના પતિ છે. આગામી અઢી વર્ષ માટે તેઓ શહેરના મેયર રહેશે.


અન્ય હોદ્દેદારો પણ નિમાયા

ઉપરાંત, ગાંધીનગર મનપાના શાસક પક્ષના નેતા તરીકે પારુલબેન ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જશવંતલાલ પટેલની વરણી કરવામાં આવી છે. ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો જ્યારે વોર્ડ નંબર-6 ના કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી અને જેને વોર્ડ નંબર-4 ના કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં જીત બાદ મેયર કોને બનાવવામાં આવશે તે અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. આ પદ માટે ભરતભાઈ દીક્ષિત અને હિતેશભાઈ મકવાણા દાવેદારો હતા. આખરે આજે સવારે મળેલી બેઠકમાં હિતેશ મકવાણાની વરણી કરવામાં આવી હતી. પ્રથમ અઢી વર્ષ માટે પદ એસસી માટે અનામત છે, જ્યારે બીજી ટર્મ માટે મહિલા અનામત છે.


ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપને 41 બેઠકો મળી હતી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આ પહેલા એપ્રિલ મહિનામાં આયોજિત થઇ હતી પરંતુ કોરોનાના કારણે ચૂંટણી મોકૂફ રાખી હતી અને ત્યારબાદ 3 ઓક્ટોબર મતદાનની તારીખ નક્કી કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરે મતદાન થયા બાદ પાંચમીએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપની ઐતિહાસિક જીત થઇ હતી.

ભાજપે ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો જીતી લીધી હતી. જ્યારે બાકીની ત્રણ પૈકી કોંગ્રેસને 1 અને આપને બે બેઠકો મળી હતી. ભાજપની જીત બાદ હવે મેયર સહિતના હોદ્દેદારો નીમવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top