એક જ શાળાના 26 વિદ્યાર્થીને ઉલટી થતા મચ્યો હાહાકાર, પણ શિક્ષણ અધિકારી ઊંઘમાં
Songadh: શાળાઓમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ સામે આવતી રહી છે. સોનગઢના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયતના હસ્તકની પ્રાથમિક શાળાના 26 વિદ્યાર્થીઓને ગઈ કાલે અચાનક ઉલટી થતા હાહાકાર મચી ગયો હતો. બાળકોને ઉલટી થતા સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં સારવાર આપી વ્યારાની જનરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સાંઢકુવા પ્રાથમિક શાળામાં બપોરે 1:00 વાગ્યાના અરસામાં 2 વિદ્યાર્થીઓને ઉલટી શરૂ થઇ હતી. જેથી શાળાના આચાર્ય અને શિક્ષકો તેમને સ્થાનિક હૉસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ થોડા સમય બાદ વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી અને ઉલટી થવા લાગતા 26 વિદ્યાર્થીઓને વ્યારાની જનરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું કે, સારવાર બાદ તમામ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં સુધારો છે.
એક જ શાળાના વિદ્યાર્થીઓને શાળામાંથી સીધા જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા વાલીઓ અને સાંઢકુવા ગામના લોકો મોટી સંખ્યામાં હૉસ્પિટલ દોડી આવ્યા હતા. શાળાના આચાર્યએ જણાવ્યુ કે, રતનજ્યોતના બીજ ખાઈ લેવાથી બાળકોને ઉલટી થઇ ગઈ હતી. તો જનરલ હૉસ્પિટલના પિડિયાટ્રીશિયને પણ રતનજ્યોતના બીજ ખાવાથી ઉલટીઓ શરૂ થઇ હોવાનું જણાવ્યું હતું. પરંતુ કેટલીક બાબતો લોકોના મનમાં શંકા ઉપજાવી તેવી છે કેમ કે સારવાર લઇ રહેલા મોટા ભાગના વિદ્યાર્થી પોતે જ કહી રહ્યા છે કે તેમણે રતનજ્યોતના બીજ ખાધા નથી. ત્યારે આ ઘટના ફૂડ પોઇઝનિંગ તરફ ઈશારો કરે છે.
અને બીજી વાત એ કે આ શાળામાં 1-5 ધોરણમાં અભ્યાસ કરતા 54 વિદ્યાર્થી છે, જેમાંથી અડધા એટલે કે 26 વિદ્યાર્થીઓ રતનજ્યોતના બીજ એક સાથે ખાય લે એ લગભગ અસંભવ જેવું લાગે છે, જે કોઈના પણ મનમાં શંકા ઉપજાવે તેવું છે. બીજી તરફ શિક્ષણ અધિકારીઓ ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે કેમ કે એક જ શાળાના 26 વિદ્યાર્થીઓને ઉલટી થવા જેવી ગંભીર ઘટના સામે આવી હોવા છતા તેમણે આ બાળકોની મુલાકાત લેવાનું પણ ઉચિત ન સમજ્યું. ખેર આ ઘટનાની તપાસ થાય છે કે નહીં એ તો જોવાનું જ રહ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp